તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ મુસા સ્થિત ‘આદર્શ નંદ ઘર’ની મુલાકાત લીધી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૫: સ્વસ્થ સમાજ નિર્માણ માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ તાપી જિલ્લાની આકસ્મિક મુલાકાત લીધી હતી.
દરમિયાન મંત્રીશ્રીએ વ્યારા નગરને અડીને આવેલા મુસા સ્થિત ‘આદર્શ નંદ ઘર’ ની જાત મુલાકાત લઈ અહીંના ભૂલકાઓ, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ સહિત વાલીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
મંત્રીશ્રી એ મુસા ‘પોષણ સુધા’ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધી, અહીં ઉપસ્થિત કિશોરીઓ સાથે પણ વાતચીત કરી, THR ના નિયમિત ઉપયોગ અને તેનાથી આવેલા તફાવત વિશે જાણકારી મેળવી હતી. કિશોરીઓના અભ્યાસ અંગેની વિગતો મેળવી, મંત્રીશ્રીએ તેમને વધુ અભ્યાસ માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા.
શ્રીમતી ભાનુબેન બાબરીયાએ વાલીઓ સાથે પણ સીધો સંવાદ સાધી અહીં ઉપલબ્ધ સેવા, સુવિધાની જાણકારી મેળવી હતી. તેમણે વાર તહેવારે આપતા તિથિ ભોજનની પણ પૃચ્છા કરી, વિગતો મેળવી હતી. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પુરા પડાતા બાલશક્તિ, પૂર્ણાશક્તિ, અને માતૃશક્તિના પેકેટનું વિતરણ કરતા મંત્રીશ્રીએ ધાત્રી માતાઓની વધુ કાળજી લેવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો.
મુસા ના નંદ ઘર ખાતે મંત્રીશ્રીએ માતૃવાત્સલ્ય સાથે બાળકો ઉપર વ્હાલ વરસાવી, તેમની બાળસહજ પ્રવૃત્તિઓ નિહાળી હતી.
મંત્રીશ્રીની આ મુલાકાત વેળા જિલ્લાના ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી તન્વી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000