ડાંગ જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરયાનાં નાદ સાથે ઠેર ઠેર ગણેશજીની મૂર્તિનું વિધિપૂર્વક સ્થાપન..!
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : સમગ્ર ડાંગ જિલ્લામાં વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાના પર્વ ગણેશોત્સવ નિમિત્તે ઠેર ઠેર ગણેશ પંડાલોમાં ગણેશજીની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હતી. અને ગણપતિ મૂર્તિની સ્થાપના વિધિવત રીતે કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ભગવાન ગણપતિ બાપ્પા આપણી અંદર રહેલા બધા સારા ગુણોના સ્વામી હોય જેથી તેમની પૂજા અર્ચના કરવાથી આપણી અંદર રહેલા સારા ગુણો ખીલે છે. ગણપતિ બાપ્પા જ્ઞાન અને શાણપણના દેવ ગણાય છે. ત્યારે તેમની પૂજા અર્ચના કરવાનો તહેવાર અને આપણી અંદર છુપાયેલા ગણેશ તત્વને જાગૃત કરવાનો તહેવાર એટલે ગણેશ ચતુર્થીનો પર્વ, ગણેશોત્સવ ભાદરવા સુદ ચોથથી અનંત ચૌદસ સુધી ઉજવાય છે. આ દસ દિવસનાં પર્વમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ 10 દિવસ વિઘ્નહર્તા ગણેશજીની સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવે છે. અને લાડુનો ભોગ ધરાવવામાં આવતો હોય છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ ઠેર ઠેર અલગ અલગ મંડળો અને સંસ્થાઓ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંડળો અને સંસ્થાઓ દ્વારા પંડાલો સુશોભિત કરવામાં આવ્યા છે. ગણેશ ચતુર્થીનાં સ્થાપના દિવસે ભક્તોએ ધામધૂમથી શોભાયાત્રા કાઢી શ્રીજીની મૂર્તિનું સ્થાપન કર્યુ હતુ. શ્રીજીનાં મૂર્તિનાં સ્થાપન વેળાએ ભક્તોએ ગણપતિ બાબા મોરીયાના નાદ સાથે ગુલાલની છોડો ઉડાવવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં અનેક સાર્વજનિક પંડાલોમાં ભગવાન ગણેશજીની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હતી. જ્યારે અમુક ભાવિકોએ પોતપોતાના ઘરે પણ શુભ મુહૂર્તમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી. તેમજ ભગવાન ગણેશજીની મૂર્તિનું વિધિપૂર્વક સ્થાપન કરી પૂજા અર્ચના કરી હતી.