ઉચ્છલ તાલુકામાં યોગવિદ્યાના માહાત્મ્યને પ્રોત્સાહિત કરવા યોગ સંવાદ યોજાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મા દેવ મોગરા સરકારી વિનયન કૉલેજ ઉચ્છલ વચ્ચે MOU : નવા યોગ ટ્રેનર્સની સાથે મળશે યોગને પ્રોત્સાહન
—-
ઉપસ્થિતિ મહાનુભાવોએ યોગરસિકોને યોગવિદ્યાના લાભોથી પરિચિત કરાવી યોગને જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો
—-
‘ઈંપેક્ટ ફૂલ યોગ સંવાદ : 300 થી વધુ યોગરસિકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી ‘
—-
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૪ :- રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભારતની પરંપરાગત યોગ સંસ્કૃતિને પ્રોત્સાહિત અને યોગ પ્રત્યે લોકોને જાગૃત કરવાના ઉમદા આશય સાથે મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ ખાતે ‘યોગ સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તાપી જિલ્લાના ૩૦૦ થી વધુ યોગરસિકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.
આ પ્રસંગે પોતાની પ્રેરણાદાયી ઉપસ્થિત નોંધવતા મહાનુભાવો દ્વારા ભારત દેશની પરંપરાગત યોગવિદ્યાના અમૂલ્ય વારસાથી પરિચિત કરાવવા સહિત તેના અદભુત લાભોથી યોગરસિકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં યોગવિદ્યાને પ્રોત્સાહન મળે તે માટે નાગરિકોને સહભાગીદારી સુનિશ્ચિત કરવા અપીલ કરાઈ હતી.
યોગ સંવાદ કાર્યક્રમમાં યોગવિદ્યા સહિત આયુર્વેદ વિદ્યા, પરંપરાગત આહાર ‘શ્રી અન્ન-મિલેટ્સ’, યજ્ઞ ચિકિત્સા અને શરીર વિજ્ઞાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે યોગ બોર્ડ અને સરકારી વિનિયન કૉલેજ ઉચ્છલ વચ્ચે આ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MOU) કરવામાં આવ્યું હતું. MOU થકી તાપી જિલ્લામાં યોગવિદ્યાને પ્રોત્સાહન મળશે અને યોગ ટ્રેનરો તૈયાર થશે. આ શુભ પ્રસંગે નવનિયુક્ત ટ્રેનરોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાપી જિલ્લા કોઓર્ડીનેટરશ્રી મનેશ વસાવા, કોર કમિટીનાં સભ્યશ્રીઓ, નિઝર તાલુકાનાં યોગા કોચ સુશ્રી રાધિકાબેન વળવી દ્વારા કરવામાં આવ્યું હતું.
યોગ સંવાદમાં કોલેજના આચાર્ય શ્રીમતી ડૉ.કલ્યાણી ભટ્ટ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી સંજયભાઈ આહીર, સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષશ્રી ચુનીલાલભાઈ, ઉચ્છલ તાલુકા પંચાયતનાં કારોબારી સભ્યશ્રી સંદીપભાઈ વળવી સહિત તમામ તાલુકાના યોગા કોચ સહિત નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
000