જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ

Contact News Publisher

તાપી જિલ્લામાં વિવિધ રમતોમાં અંદાજીત ૨૧૦૦ જેટલા રમતપ્રેમીઓએ ભાગ લીધો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.30: ખેલ રત્ન મેજર ધ્યાનચંદની જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ગત તા.૨૯/૦૮/૨૦૨૩ નાં દિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાપી દ્વારા તાપી જિલ્લાની ડી.એલ.એસ.એસ, ઇનસ્કુલ તથા વિવિધ શાળાઓમાં નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડી.એલ.એસ.એસ. ખાતે સવારે સ્પોર્ટ્સ ફિટનેસ અવેરનેસ તથા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત રેલી વ્યારા શહેરમાં કાઢવામાં આવી હતી જેમાં તાપી જિલ્લાનાં મહિલા અને બાળ અધિકારી ડૉ. મનીષાબેન મુલતાની ઉપસ્થિત રહી રેલીને લીલી ઝંડી આપેલ હતી. ત્યારબાદ વ્યારા તાલુકાની વિવિધ શાળાઓની એથ્લેટિકસ સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેમાં વ્યારા તાલુકાના વિવિધ શાળાઓના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. ત્યારબાદ બ્રધરન હાઇસ્કુલ, બોરપાડા ખાતે મેજર ધ્યાનચંદની મૂળ રમત હોકીની સ્પર્ધાનું આયોજન કરેલ હતું. આ ઉપરાંત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલતી ઇનસ્કુલ યોજના હેઠળ કાર્યરત વિવિધ શાળાઓમાં ખેલાડીઓના પ્રોત્સાહન તથા મનોરંજન અને ખેલ પ્રત્યેની જાગૃતતાનાં ભાગ રૂપે વિવિધ રમતોનો આયોજન કરેલ હતું. ત્યારબાદ ડી.એલ.એસ.એસ. ખાતે રસ્સા ખેંચ તથા રીલે દોડની સ્પર્ધાનું આયોજન કરેલ હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે વ્યારા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કુલીન પ્રધાન, જિલ્લા માહિતી નિયામક નિનેશભાઈ ભાભોર, મહિલા તથા બાળ અધિકારી ડૉ. મનીષાબેન મુલતાની, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત ઉપસ્થિત રહેલા હતા. આ સ્પર્ધામાં ખેલાડીઓ અને તેઓના કોચશ્રીઓ વચ્ચે ટક્કરની રમત જોવા મળેલ હતી. સ્પર્ધાના અંતે રાજ્યકક્ષા તથા રાષ્ટ્રીય કક્ષાએ તાપી જિલ્લાનું નામ રોશન કરેલ ખેલાડીઓને મહેમાનોના હસ્તે યોગા મેટ પ્રોત્સાહન રૂપે આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન કુલીનભાઈ પ્રધાન દ્વારા ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી તાપી જિલ્લાનું નામ રોશન કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. નેશનલ સ્પોર્ટ્સ ડેનાં સમગ્ર કાર્યક્રમમાં તાપી જિલ્લામાં વિવિધ રમતોમાં અંદાજીત ૨૧૦૦ જેટલા રમતપ્રેમીઓએ ભાગ લીધેલ હતો. કાર્યક્રમના અંતે જિલ્લા રમત વિકાસ અધિકારી, તાપી ચેતનભાઈ પટેલ દ્વારા તમામ મહેમાનો ખેલાડીઓ તથા અન્ય રમતપ્રેમીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *