શિક્ષણના માધ્યમ થકી જ જીવનમાં આગળ વધી શકાય છે: આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ
આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને વ્યારા સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ કેન્દ્રનો પદવીદાન સમારોહ યોજાયો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.26: આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામવિકાસના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના વ્યારા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ વ્યારા કેન્દ્રના પદવીદાન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મનુષ્યના જીવનમાં ચઢતી પડતી આવતી હોય છે. પરંતું તેનાથી નાશીપાશ થવાની જરૂર નથી. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, હું પોતે સામાન્ય કુંટુંબમાંથી આવ્યો છું છતા આજે તમારી સમક્ષ ઉભો છું તેનું કારણ શિક્ષણ છે. તેમણે અંતે સૌ વિદ્યાર્થીને શિક્ષણના માધ્યમ થકી જ જીવનમાં આગળ વધી શકાય છે એમ ઉમેરી સમાજને મદદરૂપ બનવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં AIILSG કેન્દ્રના આચાર્ય શ્રી જે.એસ.ગનેરીવાલ દ્વારા કેન્દ્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૨૬માં સ્થપાયેલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ (AIILSG) શહેરી વિકાસ સંચાલન ક્ષેત્રે સક્રિય કાર્ય કરી રહી છે. AIILSG સુરત કેન્દ્ર દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા (S) કોર્સ, લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ડિપ્લોમા (LSGD) તથા કોમ્પ્યુટર માટેનું સી.સી.સી. સર્ટિફિકેટ જેવા વિવિધ કોર્સ કાર્યરત છે. વિશેષમાં સંસ્થા દ્વારા દેશની અગ્રેસર યોજનાઓ જેવી કે, સ્માર્ટ સિટી, સ્વચ્છ ભારત મિશન, AMRUT યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ સહિત મહાનુભાવોના હસ્તે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ કેન્દ્રના સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્ષના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં AIILSG કેન્દ્રના પ્રાદેશિક નિયામક શ્રી પરવેઝ મલિક દ્વારા સ્વાગત પ્રવચન અને ગેસ્ટ ફેકલ્ટી ડો.દિપક ચૌધરી દ્વારા આભાર દર્શન તથ વિદ્યાર્થીની આકૃતિ ચૌધરી દ્વારા કેન્દ્ર વિશે પોતાના વિચારો રજુ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવા સહિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ કેન્દ્રના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦