પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર -૨૦૨૪ માટેની અરજી પ્રક્રિયા શરૂ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.25: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સાહસિકતા, રમત-ગમત, સમાજ સેવા, વિજ્ઞાન ટેકનોલોજી, પર્યાવરણ, કલા-સંસ્કૃતિ અને નવીનતાના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે.
PMRBP ભારત સરકાર દ્વારા આપવામાં આવતો એક માત્ર રાષ્ટ્રીય સ્તરનો બાળ પુરસ્કાર છે. જે બહાદુરીભર્યા કાર્યો અને ઉપરોકત ક્ષેત્રોમાં નોંધનીય પ્રદાન અને સિધ્ધીઓ મેળવેલ હોય તેવા ૧૮ વર્ષથી ઓછી વયજુથના બાળકોને શ્રેષ્ઠ પ્રદર્શન /સેવા છેલ્લા ૨ વર્ષમાં કરેલ હોય તેના આધાર પુરાવા સાથે તા.૩૧/૦૮/૨૦૨૩ સુધીમાં વિશેષરૂપથી બનાવેલા પોર્ટલ https://awards.gov.in પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
આ પુરસ્કાર અંતર્ગત દર વર્ષે ૨૬ ડિસેમ્બરના રોજ “વીર બાલ દિવસ” નિમિત્તે આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે. દરેક કેટેગરીમાં એક મેડલ, સર્ટીફિકેટ અને રૂપિયા ૧.૦૦(એક લાખ)નો રોકડ ઇનામ આપવામાં આવે છે. આ પુરસ્કાર નવી દિલ્હી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. આ અંગેની વિગતવાર માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન બ્લોક નં ૫, પ્રથમ માળ, પાનવાડી , જિ.તાપી (ફોન નં.૦૨૬૨૬-૨૨૨૨૦૩) સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
000000