તાપી જિલ્લાના વિવિધ આદિવાસી સમુદાયો દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું અનેરૂ મહત્વ ધરાવતી ચીજ વસ્તુઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીને આવકારાયા

Contact News Publisher

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની સાથે સાથે

કોંકણી સમાજ, ઢોડિયા સમાજ, ચૌધરી સમાજ, ગામીત સમાજ, કોટવાડીયા સમાજ અને વસાવા સમાજ દ્વારા અવનવી વસ્તુઓની ભેટ આપી મુખ્યમંત્રીશ્રીનું અદકેરું સ્વાગત કરાયુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તાપી.તા.૦૯: સમગ્ર આદિવાસી સમાજમાં પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનું અનેરૂ મહત્વ છે. તેની સાથે જોડાયેલી વિવિધ ચીજ વસ્તુઓનું પણ આદિવાસી સમાજમાં ખાસ સ્થાન છે. ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જ્યારે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની રાજયકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં કરી રહ્યા હોય, ત્યારે આ વિસ્તારના જુદા જુદા આદિવાસી સમુદાયોએ, મુખ્યમંત્રીશ્રીનું પરંપરાગત રીતે અદકેરું સ્વાગત કર્યું હતું.

રાજ્યના છેવાડે આવેલા અને બાહુલ આદિવાસી વસ્તીનું પ્રભુત્વ ધરાવતા સરહદી તાપી જિલ્લાના વિવિધ સમાજ જેમ કે કોંકણી સમાજ, ઢોડિયા સમાજ, ચૌધરી સમાજ, ગામીત સમાજ, અને વસાવા સમાજ, તથા કોટવાડીયા સમાજ દ્વારા અવનવી પરંપરાગત ચીજ વસ્તુઓની ભેટ આપી, મુખ્યમંત્રીશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અહીં કોંકણી સમાજ દ્વારા તેમના જનનેતા એવા મુખ્યમંત્રીશ્રીને પાવરી ભેટમાં આપવામાં આવી હતી. પાવરી વાદ્યનો આદિવાસી સમાજના કોઇ પણ ઉત્સવ, તહેવારમાં નાચગાન માટે ઉપયોગ થતો હોય છે. હોળી, દિવાળી જેવા તહેવારોમાં પાવરી વાદ્યના સંગીતના તાલે આદિવાસીઓ નૃત્ય કરે છે. મધુર અને કર્ણપ્રિય સંગીત આપનાર પાવરી વાદ્ય, આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. દૂધી, વાંસ, બળદનાં શિંગડાનો ઉપયોગ કરી આ પાવરી બનાવવામાં આવે છે. આ આદિવાસીઓનું પાવરી વાદ્ય દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

વસાવા સમાજ દ્વારા મોરુ વાળી શિબલી ભેટમાં આપવામાં આવી હતી. આદિવાસી નૃત્ય સમયે એક અથવા બે વ્યક્તિઓ તેને પોતાના માથે લઇને નૃત્ય કરતા હોય છે. તે વિવિધ આભલા અને ઉનના રંબેરંગી દોરાઓથી બનેલી હોય છે. વસાવા સમાજના દરેક શુભ પ્રસંગોમા તેનું ખાસ મહત્વ છે. લગ્ન પ્રસંગે મોરુ વાળી શિબલી વગર કોઇ નૃત્ય થતું નથી.

ગામીત સમાજ દ્વારા ચાંગ્યા ઢોલ ભેટમાં આપવામાં આવ્યું હતું. ગામીત સમાજના પતિક સમાન ચાંગ્યા ઢોલ એ બે બાજુવાળું નળાકાર લાકડાથી બનેલું, તેમજ બંને બાજુ પર ચામડાનો પડદો ધરાવતું સંગીત વાદ્ય છે. તેને લાકડાની દાંડી દ્વારા વગાડવામાં આવે છે. ઢોલ વગાડનાર કલાકારને ‘ઢાઢી’ તરીકે ઓળખવામાં આવે છે.

ઢોડિયા સમાજ દ્વારા તૂર વાજિંત્રની ભેટ આપવામાં આવી હતી. ઉંટના ચામડાથી મઢીને માટીનું તૂર વાદ્ય બનાવવામાં આવે છે. જેનો આકાર નળાકાર હોય છે. હોળી કે લગ્ન પ્રસંગે હ્ળપતિ સમાજ દ્વારા ખાસ તૂર વગાડી તૂર નૃત્ય કરવામાં આવે છે. હળપતિ સમાજ ઉપરાંત સમગ્ર આદિવાસીઓમાં તૂર નૃત્ય ખુબ પ્રચલિત નૃત્ય છે. તુરવાદન અને નૃત્ય દરેક શુભ પ્રસંગમાં કરી શકાય છે, અને અશુભ પ્રસંગમાં માત્ર તુર-થાળી વગાડવામાં આવે છે, નૃત્ય થતું નથી.

ચૌધરી સમાજ દ્વારા દેવ ડોવડું ભેટમાં આપવામાં આવ્યું હતું. જે રીતે દરેક સમાજના ખાસ વાધો હોય છે. તેમ ડોવળું, એ ચૌધરી સમાજનુ ખાસ વાદ્ય છે. કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગ હોય તો ડોવડું અવશ્ય વગાડે છે. જે આદિવાસી ચૌધરીની ઓળખ છે. આ વાદ્ય કુદરતી વસ્તુઓમાંથી જાતે જ બનાવવામાં આવે છે. જેમાં વાંસના બે લાંબા ટુકડા, મોટી દુધીના બે સુકાયેલા તુંબડા-તાડના પાંદડા-દોરી-પીપા-મોરના પીછા વગેરેનો ઉપયોગ થયેલો હોય છે. હોળી જેવા તહેવાર પર જાતભાતની વેશભુષા સાથે, અને પશુ-પંખીઓના લાકડાના આકાર બનાવી, તે સાથે પુરૂષો નાચ કરે છે. ચૌધરી સમાજના ઘણા બધા જુદા જુદા વાધો જેવા કે તારપુ, દેવડોડી, નરહીલુ, તિંદરુ, ધાંધલુ, પીહીવો વગેરે છે. પરંતુ તેમાં મુખ્ય વાઘ ડોવડું છે.

કોટવાડીયા સમાજ દ્વારા સફેદ ટોપી ભેટમાં આપવામાં આવી હતી. ટોપી એ આદિવાસીની ઓળખ છે. વાર તહેવારે, સારા માઠા પ્રસંગે પહેરાતી સફેદ ટોપી વડીલપણાનો-જવાબદારીનો ભાવ પણ વ્યક્ત કરે છે. ત્યારે ખાસ કરીને ‘વિશ્વ આદિવાસી દિવસે’ ગુજરાતના નાથ, વડીલસમા જવાબદાર જનનેતાને સફેદ ટોપી ભેટમાં આપવામાં આવી હતી.

આદિવાસીઓ સરળ સ્વભાવના હોય છે. પ્રકૃતિની પુજાની સાથે સાથે ભારતિય સંસ્કૃતિ અનુસાર ઘર આંગણે આવેલા મહેમાનોને ક્યારેય ખાલી હાથે જવા દેતા નથી, અને જ્યારે સ્વયં મુખ્યમંત્રીશ્રી તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે આવે, ત્યારે સમગ્ર સમાજનો ઉત્સાહ કંઇક વિશેષ જોવા મળ્યો હતો. આ પ્રસંગે લોકલાગણીને માન આપી મુખ્યમંત્રીશ્રીએ તમામ ભેટનો સહર્ષ સ્વિકાર કરી, આદિવાસી અસ્મિતાને સન્માનિત કરી હતી.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other