પાવાગઢ મુકામે યોજાયેલ પાવાથોનમાં વલસાડ અને નવસારીનાં દોડવીરોએ સહર્ષ ભાગ લીધો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગુજરાત પોલીસ વિભાગ અને decathlon સ્પોર્ટ્સ સ્ટોરનાં સૌજન્યથી ભરૂચ રનીંગ ક્લબ દ્વારા પાવાથોન 2.0 આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યનાં પ્રસિદ્ધ યાત્રાધામ મહાકાળી માતાનાં સ્થાનક પાવાગઢ મુકામે બીજા તબક્કામાં સાત કિમી હિલ રન યોજવામાં આવી હતી. જેની સાથે સાથે સ્વચ્છ ભારત અભિયાનનાં સમર્થનરૂપે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રબલ માચી મુકામે સૌ દોડવીરોએ આસપાસ જમા થયેલાં યાત્રાળુઓને સ્વચ્છતા અને આરોગ્યનો સંદેશો પાઠવ્યો હતો. ટીમ ARGનાં સ્વયંસેવક ગૃપ દ્વારા રૂટ સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. દોડવીરોનો અંતિમ પડાવમાં મહાકાળીનાં મંદિરે પૂર્ણ થયો હતો. મુશળધાર વરસાદ વચ્ચે સર્વે દોડવીરો અને આજનાં સફાઈ કર્મવીરો પુનઃ રોપ વે મારફત નહિ પરંતુ પગપાળા જ ઉતરીને પરત આવી સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિઓની એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
અંતમાં દિગંબર જૈન મંદિર સત્સંગ હોલ ખાતે પ્રાંત અધિકારી પંચમહાલની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજવામાં આવ્યો. તમામ દોડવીરોને ટ્રોફી આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ દોડવીરો પૈકી વલસાડ અને નવસારીનાં સરકારી કર્મચારી એવાં શિક્ષકો અશ્વિન ટંડેલ, ભાવેશ ટંડેલ, વિમલ ટંડેલ અને આરોગ્ય કર્મચારી તેજસ પટેલે પણ સહર્ષ ભાગ લીધો હતો. દૂરનાં અંતરેથી આવીને આ ઉમદા કાર્યમાં જોડાવા બદલ તેમને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. સ્વચ્છ અને સશક્ત ભારત નિર્માણનાં પ્રયાસમાં ભરૂચ રનીંગ ક્લબની એક આસ્થાભરી દ્વિતીય પહેલ રહી. શક્યતઃ આપણી પ્રકૃતિને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરીએ. વધુ વૃક્ષો વાવીએ એનું જતન કરીએ અને પાણી તેમજ ઊર્જાની બચત કરી માં વસુંધરાને અનુકૂળ બનીએ જેવી ઉદ્દાત ભાવના સાથે સૌ છૂટા પડ્યા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other