તાપી જિલ્લાના મતદાન મથકોની સુધારેલ યાદીના મુસદ્દાની તા.16.07.23ના રોજ પ્રાથમિક પ્રસિદ્ધી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની સુચના અનુસાર ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.01.01.2024ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવા અંગે આપેલ કાર્યક્રમની સમય સુચી મુજબ અત્રેના જિલ્લાના કુલ-2 વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીઓ દ્વારા તેઓના મતદાર વિભાગના સ્થળાંતર હેઠળના અને નવા બનાવવામાં આવેલ મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવેલ છે. તા.17.07.2023 થી તા.25.07.2023 દરમિયાન આ બાબતે કોઈ સલાહ સુચનો કે વાંધા રજૂઆતો હોય તો સંબધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની કચેરી ખાતે રજૂ કરવા વિનંતી કરાઈ છે.
જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ દ્વારા મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદી અંગેની નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
171- વ્યારા (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગ, 172-નિઝર (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગ માટે
આ સાથેની યાદીમાં દર્શાવેલ મતદાન મથકોના સુધારા-વધારા સાથેનો મુસદ્દો તે દરેકની સામે જણાવેલ મતદાર વિસ્તાર અથવા મતદારોના સમુહ માટે નક્કી કરવામાં આવેલ છે.
મતદાન મથકોની યાદીનો આ મુસદ્દો તા.25.07.2023 સુધીમાં નીચેના સ્થળોએ જોવા મળી શકશે.
1. સંબધિત મતદાન મથકે
2. સંબધિત મામલતદાર કચેરીએ
3. સંબધિત પ્રાંત અધિકારીની કચેરીએ
4. કલેક્ટર કચેરી, તાપીના નોટીસ બોર્ડ પર
5. કલેકટર કચેરી, તાપીની વેબસાઈટ https;//tapi.gujarat.gov.in પર
મતદાન મથકોની આ સુધારા યાદી સંબધે કોઈ સલાહ અથવા સુચનો હોય તો તા.25.07.2023 સુધીમાં મળી જાય તે રીતે લેખિતમાં કલેક્ટર કચેરી, ચૂંટણી શાખા, તાપીને મોકલી આપવા વિનંતી છે.