ઉંદર દ્વારા ખેડૂતોમાં ફેલાતા લેપ્ટોસ્પાયરોસીસ રોગ અંગે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા
તાપી જીલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન એજીઆર-૨ યોજના હેઠળ ઉંદર નિયંત્રણ તથા લેપ્ટોસ્પાયરોસીસ અટકાયતની કામગીરી ખેતીવાડી તથા આરોગ્ય વિભાગના સંકલન દ્વારા પૂર્ણ કરવામાં આવી
માહિતી બ્યુરો, તાપી તા.13: વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેતીવાડી તથા આરોગ્ય વિભાગના સંકલન દ્વારા એજીઆર-૨ યોજના હેઠળ ઉંદરથી થતા ખેતી પાક નુકશાની અટકાવવા તેમજ લેપ્ટોસ્પાયરોસીસ રોગના નિયંત્રણ હેતુથી ઉંદર નિયંત્રણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં શેરડીના ઉભા પાકમાં બ્રોમાડીયોલોન ૦.૦૦૫% દવાની બેઈટ તથા શેરડી સિવાયના બાકીના પાકો માટે ખુલ્લા ખેતરોમાં ઉંદરના જીવંત દરોમાં બ્રોમાડીયોલોન દવાની કણકી મુકવામાં આવી હતી.
આ કામ માટે તાપી જિલ્લાના બધા તાલુકાઓને આવરી લેતા શેરડી પાકના કુલ-૨૦૦૫૫ હેક્ટર વાવેતર વિસ્તાર માટે બ્રોમાડીયોલોન ૦.૦૦૫% દવાની બેઈટ મુકવામાં આવેલ, જયારે શેરડી સિવાયના અન્ય પાકો માટે ચોખાની કણકી સાથે બ્રોમાડીઓલોન સી. બી. પાઉડર ૬૧૫૫૪ હેક્ટર વિસ્તારમાં મુકવાની કામગીરી કરવામાં આવી હતી.
તાપી જિલ્લામાં થતા જુદા-જુદા પાકો જેવા કે ડાંગર, મગફળી, મકાઈ, શેરડીમાં ઉંદરોથી થતું નુકશાન અટકાવવા માટે ઝુંબેશરૂપે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ફાર્મર ફ્રેન્ડ, આશાવર્કર વગેરે દ્વારા જીવંત દરોમાં દવા મૂકી ઉંદર નિયંત્રણની કામગીરી કરવામાં આવી હતી. પાકને નુકશાન થવા ઉપરાંત ઉંદર દ્વારા ખેડૂતોમાં ફેલાતા લેપ્ટોસ્પાયરોસીસ નામના ચેપી રોગ અંગે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા. આમ, તાપી જિલ્લામાં ખેતીવાડી તથા આરોગ્ય વિભાગના સંકલનથી ઉંદર નિયંત્રણની સાથે લેપ્ટોસ્પાયરોસીસ અટકાયતની કામગીરી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
૦૦૦૦૦૦૦૦૦