વ્યારા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
૭૫ વર્ષની વય ધરાવતા સભાસદોનું શાલ ઓઢાડી સન્માન કરાયું. સાથે તાપી જિલ્લાનું ગૌરવ ધરાવતા વ્યક્તિઓનું વિશેષ બહુમાન કરાયું.
(વ્યારા-તાપી) તા.૧૨- તાપી જિલ્લાના વ્યારા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા તા.૯/૭/૨૦૨૩ના રવિવારે હરિહરેશ્વર મહાદેવ મંદિર સત્સંગ હોલ,વ્યારા મુકામે પ્રમુખશ્રી ગુ.રા.નિ.ક.મ. વડોદરા, શ્રી નિર્મળસિંહ ડી.રાણાના અધ્યક્ષ સ્થાને,સમારંભના ઉદ્ઘાટક ૧૭૧-વ્યારાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ડી.કોંકણી,પદ્મશ્રી રમીલાબેન ગામીત, મુખ્ય મહેમાન વ્યારાનગર પાલિકા કારોબારી અધ્યક્ષ કુલીનભાઈ પ્રધાન,નિવૃત્ત કર્મચારી મંડળ પ્રમુખ બારડોલી શ્રી ઈશ્વરભાઈ પટેલ,વ્યારા સ્ટેટ બેંક મેનેજર રવિશંકર શર્મા ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
નિર્મળસિંહ ડી.રાણાએ તમામ પેન્શનરોને દીર્ધાયુ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે પેન્શનરોના ઘણાંબધા પ્રશ્નો હોય છે. જેના સુખદ ઉકેલ માટે સૌએ ભેગા મળીને પેન્શનર મંડળને ધ્યાને મુકવા જોઈએ. મોટે ભાગે જૂન માસમાં નિવૃત્ત થનારા કર્મચારીઓ વધુ છે. જેમને જુલાઈ માસમાં ઈજાફો મળવા પાત્ર હોવો જોઈએ. જે માટે સરકારશ્રીમાં આપણી રજૂઆત છે. આ બાબતે સમયાંતરે રજૂઆત કરવામાં આવે છે. પરંતુ હજુસુધી આપણી માંગણી સ્વિકારવામાં આવી નથી. અપેક્ષા છે કે આ મુદૃદાનો સત્વરે ઉકેલ આવશે.
ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ સૌ વડીલોને સંબોધતા જણાવ્યું હતું કે સરકારશ્રીની સેવામાંથી આપ સૌ નિવૃત્ત થયા છો પરંતુ સમાજ માટે હવે પ્રવૃત્ત થયા છો. તમામ પેન્શનરો સરકારશ્રીના જુદા જુદા વિભાગોમાં ફરજરત હતા જેથી સમાજના તમામ લોકોને તમારા જ્ઞાનનો લાભ આપી સમાજના વિકાસમાં યોગદાન હંમેશા મળી રહેશે તો સમાજની ઉન્નતિ થશે. આપના નાના-મોટા પ્રશ્નોની વાચા જરૂર આપશું. આપણે સૌ સાથે મળીને આપણાં દેશને વિશ્વગુરૂ બનાવવાની દિશામાં આગળ વધીએ.
સ્વાગત પ્રવચન કરતા વ્યારા તાલુકા પ્રમુખશ્રી છત્રસિંહભાઈ ચૌધરીએ તમામ પેન્શનરોનું શબ્દોથી સ્વાગત કરતા જણાવ્યું હતું કે વ્યારા નિવૃત્ત કર્મચારી મંડળના કુલ ૧૭૨૦ સભ્યો છે. સભાસદોની વાર્ષિક સાધારણ સભા કોરોનાકાળ બાદ સૌપ્રથમવાર યોજાઈ છે. તમામ પેન્શનર ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર આવ્યા છો ત્યારે નિવૃત્તી બાદ મંડળમાં જોડાઈને મંડળને મજબૂત બનાવવાનું છે. સૌએ એકતાની ભાવના રાખી દરેકની સમસ્યાઓ એકબીજા સાથે શેર કરવી જોઈએ. વધુમાં હાલ ટેકનોલોજીનો જમાનો હોઈ સ્માર્ટ ફોન વસાવીને સમયની સાથે તાલ મિલાવવો જ રહ્યો.
આ પ્રસંગે ૭૫ વર્ષ કે તેથી વધુ વયના વડીલોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. સાથે સાથે તાપી જિલ્લાનું ગૌરવ એવા પદ્મશ્રી રમીલાબેન ગામીત,રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકશ્રી પ્રદિપભાઈ ચૌધરી,આચાર્યશ્રી એ.મો.સ્કુલ ડોસવાડા શ્રીમતિ આશાબેન ચૌધરી, કેન્દ્ર શિક્ષક શ્રી જીલેશ ભાઈ ચૌધરી, કેન્દ્ર શિક્ષક શ્રી સંજય ભાઈ ચૌધરી, ચીખલી શાળા નાં ઉપશિક્ષકશ્રી અમિતભાઈ ચૌધરી . સહિત મહાનુભાવોનું વિશેષ બહુમાન કરાયું હતું.
નિવૃત્ત કર્મચારી મંડળની સાધારણ સભામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અર્જુનભાઈ ચૌધરી, ગુ.રા.પ્રા.શિ.સંઘના કાર્યવાહક પ્રમુખ સુધાકરભાઈ એલ.ગામીત, પ્રમુખશ્રી જિ.નિ.ક.મંડળ,તાપી દિલેરભાઈ કે.દેસાઈ,, રાકેશભાઈ કાચવાલા,હરીભાઈ એમ.ગામીત,નિ.ક.મંડળ,કુકરમુંડા પ્રમુખ જગનભાઈ બૈસાણે,પ્રમુખ ટીચર સોસાયટી વ્યારા જીતુભાઈ આર ચૌધરી, ઉંચામાળા પ્રાથમિક શાળાના આચાર્ય સંજયભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં નિવૃત્ત પેન્શનર ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી જીલેશ ભાઈ ચૌધરીએ કર્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦