તાપી જિલ્લા જાહેર જનતા જોગ : ગુજરાતના ખેડૂતોના હિતાર્થે બાગાયતી પાકોનો વિસ્તાર ૧૯,૫૦૦ હેક્ટર વધારવા ૪૫ કરોડની યોજના
(માહિતી બ્યુરો,તાપી) તા.12 : નાયબ બાગાયત નિયામકશ્રી, તાપીની અખબાર યાદી મા જણાવ્યા અનુસાર તાપી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ કાર્યરત છે. જેમાં સરકારની સહાયલક્ષી યોજના બાગાયત પાકોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૫ કરોડ ની જોગવાય સાથે એક વધુ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જેમાં ફળપાકોનો વિસ્તાર ૧૯,૫૦૦ હેક્ટર જેટલો વધારવા સરકાર દ્વારા લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યું છે. આ માટે આંબા, જામફળ અને કેળાના પાકોમાં કલમ અને રોપા દીઠ સહાય ચૂકવામાં આવશે.
ખેડૂતો ક્રોપ ડાઈવર્સીફિકેશન કરી આંબા અને જામફળ જેવા બહુવર્ષાયુ ફળપાકમાં ઘનિષ્ઠ પદ્ધત્તિથી તેમજ કેળ પાકમાં ટિસ્યૂકલ્ચર ટેક્નોલોજી અપનાવી પોતાની આવકમાં વધારો કરી શકે છે.
આ નવી યોજના હેઠળ ખેડૂતોને આંબા પાકના વાવેતરમાં કલમદીઠ મહત્તમ રૂ. ૧૦૦ અથવા પ્રતિ કલમદીઠ ખરેખર થનાર ખર્ચ પૈકી જે ઓછું હોઈ તેને ધ્યાને લઈ મહત્તમ રૂ. ૪૦ હજાર પ્રતિ હેક્ટર ખાતા દીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
જામફળ પાકમાં કલમ કે ટિસ્યૂ રોપદીઠ મહત્તમ રૂ. ૮૦ અથવા પ્રતિ કલમદીઠ ખરેખર થનાર ખર્ચ પૈકી જે ઓછું હોઈ તેને ધ્યાને લઈ મહત્તમ રૂ. ૪૪ હજાર પ્રતિ હેક્ટર ખાતા દીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
આવી રીતે કેળાંના પાકમાં ટિસ્યૂકલ્ચર રોપદીઠ રૂ. ૫ સહાયને ધ્યાને લઈ મહત્તમ રૂ. ૧૫ હજાર પ્રતિ હેક્ટર ખાતા દીઠ મહત્તમ ૧ હેક્ટરની મર્યાદામાં દર ૨ વર્ષે એક વાર સહાય ચૂકવાશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર, પ્રથમ માળ, જાપાનિઝ ફાર્મની સામે, ઉનાઇ રોડ, વ્યારા,તાપીનો સંપર્ક કરવા અથવા ફોનનં. ૦૨૬૨૨૬- ૨૨૧૪૨૩ પર અથવા ddhtapi@gmail.com સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી તાપી દ્વારા અખબારીયાદીમાં જણાવાયું છે.
000000000