બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ત્રિદિવસીય બાલવાટિકા તાલીમ વર્ગ યોજાયો
બાલવાટિકા પ્રવૃત્તિ અભ્યાસક્રમ સંદર્ભે બી.આર.સી. ઓલપાડ દ્વારા યોજાયેલ ત્રિદિવસીય તાલીમ વર્ગ સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : બાલવાટિકા એટલે બાળકનું આંગણવાડીમાંથી શાળાબાગ તરફ આવવાનું પ્રથમ ડગ માનીએ તો શાળામાં શિક્ષણ સાથે બાળકોને આવકાર, ઉષ્મા અને સમૂહનું સાંનિધ્ય સારી રીતે મળી રહે તેવો આશય છે. આંગણવાડીમાં શિક્ષણની પ્રારંભિક સંકલ્પનાઓનો અનુભવ પામીને જે બાળક ભવિષ્યમાં શાળામાં પોતાનું શિક્ષણકાર્ય શરૂ કરવા તરફ જઈ રહ્યું છે તેનાં માટે એક વર્ષ સુધી વર્ગ તત્પરતાનું-શાળા તત્પરતાનું ભાવાવરણ નિર્માણ કરવું આવશ્યક છે. આ સંદર્ભે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર બાલવાટિકા પ્રવૃત્તિ અભ્યાસક્રમની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ત્રિદિવસીય બાલવાટિકા તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત આ તાલીમ વર્ગ કુલ 3 વર્ગોમાં વહેંચવામાં આવ્યો હતો. જેમાં કુલ 121 શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો. તાલીમ બાબતે વધુ માહિતી આપતાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે આ બાલવાટિકા તાલીમમાં પ્રવેશ પામનાર બાળકોનાં વય, રસરુચિ, મનોવિજ્ઞાન, શારીરિક અને માનસિક વિકાસની બાબતોને ધ્યાને લેવાયેલ છે. સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન બાળકનાં શારીરિક, બૌધ્ધિક, સર્જનાત્મક ભાષાકીય, સામાજિક અને ભાવાત્મક વિકાસને પૂરતું પોષણ મળી રહે તેવી દરેક પ્રવૃત્તિઓથી તાલીમાર્થી શિક્ષકોને તજજ્ઞો દ્વારા માહિતગાર કરવામાં આવેલ છે.
સદર તાલીમ વર્ગમાં તજજ્ઞ એવાં તાલુકાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટરો દ્વારા જૂથકાર્ય, વાર્તાકથન, અભિનયગીત, રમતગમત, પ્રોજેક્ટ વર્ક જેવી વિવિધ પ્રવૃત્તિઓ તબક્કાવાર સુંદર અને સચોટ રીતે કરાવવામાં આવી હતી. દરેક પ્રવૃત્તિઓમાં તાલીમાર્થી શિક્ષક ભાઈ-બહેનો ખૂબજ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતાં. તાલીમનાં વિષયવસ્તુને વધુ સરળ બનાવવા બી.આર.પી. પ્રજ્ઞા ઈલા મહિડા તેમજ સી.આર.સી. કો-ઓર્ડિનેટરો આશા ગોપાણી અને રાકેશ મહેતાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. લાયઝન ઓફિસર ગીતાબેન વાંસીયાએ તાલીમનાં ત્રણેય સ્થળોએ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.