કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા ‘મસાલાની બનાવટ’ વિષય ઉપર વ્યવસાયિક તાલીમ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર દ્વારા જૂન માસ દરમ્યાન ‘વિવિધ મસાલાની બનાવટ’ વિષય ઉપર દ્વિદિવસીય કુલ ૨ વ્યવસાયિક તાલીમ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.સી.ડી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પેથાપુર ગામ અને વ્યારા તાલુકાના ડોલારા ગામની કુલ ૫૪ આદિવાસી યુવાખેડૂત મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન.સોનીએ વિવિધ પ્રકારના મસાલાની બનાવટ વિષે વિસ્તૃતમાં ટેકનિકલ માહિતી આપી હતી તથા દરેક મસાલા જેવા કે ચા મસાલો, પાઉંભાજી મસાલો, ચાટ મસાલો, ફ્રુટ મસાલો, છોલે મસાલો, પુલાવ મસાલો, ગરમ મસાલો, સંભાર મસાલો, લસણનો મસાલો અને અથાણાના મસાલાનું પધ્ધતિ નિદર્શન(પ્રેકટીકલ) કરી શીખવ્યું હતું. તેમણે તાલીમાર્થી મહિલાઓને મસાલાના પેકિંગ માટે પ્લાસ્ટિક બેગમાં પેક કરી મીણબત્તીનો ઉપયોગ કરી ઘરગથ્થુ પધ્ધતિથી સીલીંગ કરતા શીખવ્યું હતું. તેમણે તાલીમાર્થી મહિલાઓને તાલીમ લીધા બાદ મસાલા ગૃહઉદ્યોગ થકી રોજગારલક્ષી પ્રવૃતિઓ શરૂ કરી આવક ઉપાર્જન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તાલીમના અંતે, તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને સખી મંડળ દ્વારા જૂથમાં સંગઠનથી મસાલા ગૃહઉદ્યોગ શરૂ કરવા તૈયારી બતાવી હતી