તાપી જિલ્લામાં આંગણવાડીઓની વિવિધ ઇતર પ્રવૃતિઓ દ્વારા બાળકોની જ્ઞાનેન્દ્રિઓમાં થઇ રહ્યો છે વધારો
થિમેટીક પ્લાન મુજબ બાળકોના સર્વાંગી વિકાસમાં અગત્યનો ભાગ ભજવતી આપણી આંગણવાડી
–
રંગ કામ, ચિત્રકામ, માટીકામ, છાપકામ, ચિટક કામ જેવી પ્રવૃતિઓ થકી બાળકોની સર્જનાત્મક શૈલીને વધારવામાં આવે છે.
–
સંકલન : વૈશાલી પરમાર
માહિતી બ્યુરો, તાપી તા.૦૫: ગુજરાત એટલે વંચિતોનો વિકાસ. આપણા ગરવા ગુજરાતના ભવિષ્યની ચીંતા રાજ્ય સરકાર કરી રહ્યું છે. માટે પરિણામલક્ષી કાર્યક્રમો, અને માળખાકિય સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોચાડી વનબંધુઓનું જીવન ધોરણ ઉંચું લાવવાના સઘન પ્રયાસો થઇ રહ્યા છે.
તાપી જિલ્લાના આઇસીડીએસ વિભાગના આંગણવાડી કાર્યકર બહેનો પ્રોગ્રામ ઓફિસર સુશ્રી તન્વી પટેલના માર્ગદર્શન હેઠળ સક્રિય રીતે યશોદા માતાની ભૂમિકા ભજવીને પ્રસુતા માતાઓ, કિશોરીઓ તેમજ બાળકોની સાર સંભાળ નિષ્ઠાપૂર્વક લઈ રહ્યા છે. શાળાએ જીવન ઘડતરનો પાયો છે, ત્યારે આંગવાડી કેન્દ્ર દ્વારા પુર્વ શિક્ષણ થકી બાળકોને જીવન ઘડતર માટે સર્વાંગી રીતે તૈયાર કરાઈ રહયા છે.
બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે અનુસાર સત્રની પ્રવૃતિઓનું આયોજન
–
જિલ્લાના ઉચ્છલ તાલુકા બાળ વિકાસ યોજના અધિકારી રાધાબેન પટેલ આ અંગે જણાવે છે કે, રાજ્યસરકારની પા પા પગલી યોજના અંતર્ગત ઇસીસીની થીમ હેઠળ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે અનુસાર સત્રની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. જેથી પુર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરી સારી રીતે થઇ શકે, અને શાળામાં દાખલ થતા પહેલા તેને સમગ્ર રીતે તૈયાર કરવામાં આવે છે.
વિવિધ પ્રવૃતિઓ થકી બાળકોની સર્જનાત્મક શક્તિનો થાય છે વિકાસ
–
ઉચ્છલ તાલુકાના મીરકોટ આંગણવાડીના વર્કર બહેન મનીષા ગામીત આ અંગે જણાવે છે કે, થિમેટીક પ્લાન મુજબની પ્રવૃતિઓમાં બાળકોના સર્વાંગી અને સ્વવિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ આંગણવાડી કેન્દ્ર ખાતે કરાવવામાં આવે છે. જેમાં બાળકોનો શારીરિક, માનસિક, બૌધિક, સામાજિક વિકાસ થાય તે માટે પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.
થિમેટીક પ્લાન મુજબ અઠવાડિયા અને વાર પ્રમાણે દૈનિક ધોરણે પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.
આ પ્રવૃતિઓ અંતર્ગત બાળકોને રંગ કામ, ચિત્રકામ, માટીકામ, છાપકામ, ચિટક કામ, જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જેમાં રંગકામમાં વિવિધ રંગોની ઓળખ અને તેના ઉપયોગથી કલર કામ કરવું, માટી કામથી વિવિધ ચિજવસ્તુઓ બનાવવી, છાપકામમાં વિવિધ ચિજ વસ્તુઓના ઉપયોગ થકી રંગોનો ઉપયોગ કરાવવામાં આવે છે. ચિટક કામમાં આભલા, ફુલપાન, રંગબેરંગી કાગળોને વિવિધ આકારોમાં ચિપકાવી કલાકૃતિ તૈયાર કરાવવામાં આવે છે. જેના થકી બાળકોની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે. આ તમામ પ્રવૃતિમાં બાળકો ઉત્સાહભેર ભાગ લે છે. જેથી આ પ્રવૃતિનો ઉદ્દેશ સિધ્ધ થાય છે.
આ ઉપરાંત બાળગીત, બાળ વાર્તા, જોડકણા, ઉખાણા, ઋતુઓ, વાહનોનાં નામો, ફળો, શાકભાજીના નામો, એકડા, બારક્ષરી, એબીસીડી શિખવવામાં આવે છે. આ સમગ્ર પ્રવૃત્તિઓ થકી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રૂચી જાગે છે, અને કલા તથા સર્જનાત્મકતામા વધારો થાય છે. જે જીવન પરિવર્તનનું કારણ બની શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઈ.સી.ડી.એસ. વિભાગ અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં ભૂલકાઓને ગમ્મત સાથે જ્ઞાન ઉપરાંત વિનામુલ્યે સવારનો નાસ્તો, બપોરનું ગરમ ભોજન આપવામાં આવે છે. આંગણવાડીમાં ૩ વર્ષ પૂર્ણ કરેલા બાળકો પ્રવેશ મેળવી શકે છે.
શિક્ષણ, આરોગ્ય અને આવાસ જેવી પાયાની સગવડો ઉપલબ્ધ થતા વન-વસુધાના રહેવાસી વનબંધુઓના જીવનમાં ઉજાશ પથરાયો છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી તેની ચિંતા કરતી રાજ્ય સરકાર ઇતર પ્રવૃતિઓ થકી બાળકોમાં રચનાત્મકતા વધારવા જેવી બાબતો ઉપર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. તાપી જિલ્લાનાં બાળકોમાંથી ભવિષ્યમા જો કોઈ ચિત્રકાર, સંગીતકાર, મૂર્તિકાર કે કોઈ પણ કળા ક્ષેત્રે પોતાનું નામ બનાવશે, તો રાજ્ય સરકાર સહિત આ યશોદા માતાઓને ચોક્કસ શ્રેય આપવો પડશે.
000000