બારડોલી ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધની કારોબારી સભા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લાનાં બારડોલી નગર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જિલ્લા સંઘનાં કારોબારી સભ્યો, દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મહામંત્રી અને હોદ્દેદારો, રાજય પ્રતિનિધિઓ, શિક્ષકજયોત સંપાદન સભ્ય, પ્રચારમંત્રીઓ, ઓડિટર્સ, સંગઠન મંત્રીઓ, શિક્ષક કલ્યાણ નિધિ મંત્રી સહિત સલાહકાર સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રારંભે મૌન, સર્વધર્મ પ્રાર્થના બાદ સ્વાગત પ્રવચન બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ શૈલેષભાઈ પટેલે કર્યું હતું. ત્યારબાદ કાર્યસૂચિ મુજબનાં મુદ્દાઓ જેવાકે શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ, રાજય હોદ્દેદારોની વરણી, શિક્ષક જયોત સંપાદકની વરણી નિમણુક, જિલ્લા ઓડિટર, જિલ્લા પ્રચારમંત્રી, જિલ્લા સંગઠનમંત્રી, શિક્ષક કલ્યાણનિધિ મંત્રી, સહમંત્રી વરણી વગેરેની ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા બારડોલી તાલુકાની સુરાલી પ્રાથમિક શાળાનાં શિક્ષિકા કલ્પનાબેન ચૌધરી, જિલ્લાનાં શ્રેષ્ઠ HTAT શિક્ષક એવાં કન્યાશાળા બારડોલીનાં શિક્ષિકા પુષ્પાબેન બારડ, એજ્યુકેશનલ ઇનોવેશનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કડોદ કુમારશાળાનાં ડૉ.મનાલીબેન દેસાઈ તથા ચિત્રકુટ એવોર્ડ 2021 વિજેતા મોતા પ્રાથમિક શાળાનાં મીનલ દેસાઈનું જિલ્લા સંઘનાં હોદ્દેદારો દ્વારા મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા જિલ્લા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઇ ચૌધરીનું તેમનાં હોદ્દા ઉપર સતત ચોથી ટર્મ માટે બિનહરીફ વરણી બદલ મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સદર કારોબારીમાં પ્રચારમંત્રી, જિલ્લા ઓડિટર, જિલ્લા સંગઠનમંત્રી, સલાહકાર સમિતિ, શિક્ષકજ્યોત સંપાદક મંડળ સદસ્ય તેમજ રાજ્ય સંઘનાં પ્રતિનિધિ વગેરેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
સભાનાં અધ્યક્ષસ્થાનેથી કિરીટભાઈ પટેલે તાજેતરનાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં રાષ્ટ્રીય અધિવેશન તથા પૂજ્ય મોરારીબાપુની રામકથાની સફળતા વિશે વાત કરી હતી. ઉપરાંત તેમણે જૂની પેન્શન યોજના બાબતે વિશેષ છણાવટ કરી હતી. સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ અધિવેશન માટે સ્વૈચ્છિક ફાળો આપવા બદલ દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મહામંત્રી, હોદ્દેદારો તથા શિક્ષક ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં આભારવિધિ બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળવંતભાઈ પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ પટેલે કર્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.