તાપી જિલ્લામા વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૮૮ શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કાર્યરત
જ્ઞાનકુંજ પ્રોજક્ટની મદદથી બાળકોમાં ભણવાની ઉત્સુકતા વધે છે જેથી સ્કુલ ડ્રોપ આઉટ રશિયો ઘટે છે
–
ડિજીટલ લર્નીંગ થકી રાજ્યના છેવાડાના તાપી જિલ્લાના આદિવાસી બાંધવોના બાળકો અધ્યતન ટેકનોલોજીથી અવગત થયા
–
આલેખન : વૈશાલી પરમાર
–
માહિતી બ્યુરો, તાપી તા.૦4: સમયની સાથે ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે અને તેનો ઉપયોગ શિક્ષણ ક્ષેત્રે પણ ભરપુર થઇ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં લેપટોપ, ઇન્ટરેકટીવ પેનલ અને સંલગ્ન સોફ્ટવેરના ઉપયોગથી ઇન્ટરેક્ટીવ વર્ગખંડ શિક્ષણ પધ્ધતિથી શિક્ષણ આપવા માટે જ્ઞાનકુંજ પ્રોજેકટ અમલી કરાયો છે.
જ્ઞાનકુંજ પ્રોજક્ટની મદદથી શાળામાં બાળકો ભણવા માટે ઉત્સુક બને છે. જેથી સ્કુલ ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટે છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતાથી માંડીને માળખાગત અને અદ્યતન તકનીકી સુવિધામાં પણ નોંધપાત્ર વધારો કરાયો છે તમામ બાબતોના સકારાત્મક પરિણામરૂપે પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે.
જેમાં ખાસ કરીને તાપી જિલ્લાની વાત કરીએ તો, તાપીમાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો 2.38 ટકા અને ગર્લ્સ ડ્રોપ-આઉટ રેશિયો 2.41 ટકા છે.
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ વિશે માહિતી:
જ્ઞાનકુંજ એ પ્રોજેક્ટર, ઇન્ટરેક્ટિવ પેનલ/સ્માર્ટ બોર્ડ, લેપટોપ વગેરે જેવા ટેક્નોલોજી ટૂલ્સની મદદથી વર્ગખંડની ક્રિયા પ્રતિક્રિયા અને શિક્ષણ-અધ્યયન પ્રક્રિયાને વધારવા માટે એક શાળા ડિજિટલાઇઝેશન પ્રોગ્રામ છે. તેનો ઉદ્દેશ્ય માધ્યમ તરીકે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્ગખંડમાં જ અભ્યાસક્રમના દરેક એકમ માટે સમજણમાં સરળતા લાવવાનો છે. આ યોજના સાથે, વિદ્યાર્થીઓ તેમની IT કૌશલ્યમાં સુધારો કરે છે, અને તેમને ડિજિટલ સામગ્રી દ્વારા શીખવાની તક મળે છે. જેનો ઉદ્દેશ્ય પ્રાથમિક શિક્ષણની ઍક્સેસને વધુ બહેતર બનાવવાનો છે, અને આ પહેલને આગલા સ્તર સુધી લઈ જઈને 100% નોંધણી હાંસલ કરવાનો છે.
તાપી જિલ્લા અંગે વિગતવાર માહિતી આપતા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જયેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામા વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૮૮ શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે. તાપી જિલ્લામા વર્ષ ૨૦૨૩-૨૪ નવી કુલ ૨૫૪ શાળાઓમા ૭૯૩ નવા સ્માર્ટ ક્લાસ રૂમ પૈકી ૧૦૬ શાળાઓમા ઈનસ્ટોલેશનની કામગીરી પૂર્ણ થઈ છે, અને ૧૪૮ શાળાઓમા ઈનસ્ટોલેશનની કામગીરી પ્રગતિ હેઠળ છે.
ડિજીટલ શિક્ષણક્ષેત્રે ગુજરાત રાજયની કામગીરીને વેગ આપવા માટે જ્ઞાનકુંજ પ્રોજેકટ અમલી બનાવવામાં આવ્યો છે. જેના થકી વર્ગખંડ ઇન્ટરેકટીવ અભિવૃધ્ધિમાં વધારો થયો છે, અને વર્ગખંડમાં જ શીખવા શીખવવાની પ્રક્રિયા અને મૂલ્યાંકન વધુ સુદ્રઢ બન્યું છે.
ત્યારે તાપી જિલ્લો જે રાજ્યના છેવાડાનો અને બહુલ આદિવાસી જિલ્લો છે. જેમાં આદિવાસી સમાજના બાળકો આજે વિકાસની ધારામાં બાકાત ન રહેતા, ડિજીટલ લર્નીંગ થકી અધ્યતન ટેકનોલોજીથી પરિચિત થયા છે. જે સમગ્ર સમાજ અને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
૦૦૦૦૦૦૦૦૦