તાપી જિલ્લાના અનસંગ હીરોઝ અને સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કરાયા
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તાપી જિલ્લા ખાતે અનસંગ હીરોઝ અને સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોનો સન્માન સમારોહ યોજાયો
–
માહિતી બ્યુરો, તાપી તા.૦3: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, તાપીના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આજરોજ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે તાપી જિલ્લાના અનસંગ હીરોઝ અને સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોનો જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રીએ સૌને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં યોગદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓના બલીદાન અને દેશ પ્રેમની વાત તેઓના પરિવારજનોના મુખે સાંભળતા આપણા હદયમાં જુસ્સો અને જોમ વધે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણને મળેલ આઝાદીનું મહત્વ સમજવું જોઇએ અને આપણે પોતાના નાના મોટા કાર્યોથી દેશના વિકાસ માટે સહભાગી થવું જોઇએ એમ ખાસ ભાર મુક્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, આઝાદી બહુમુલી છે. દેશની આઝાદીમા આપેલ યોગદાનને ઉજાગર કરવાના ભાગરૂપે આ સન્માન સમારોહ યોજાઇ રહ્યા છે જે ખુબ જ સારી બાબત છે. જેના થકી તમામ સ્વતંત્રતા સેનાનીઓ માટે માન અને અહોભાવની લાગણીમાં વધારો થઇ રહ્યો છે.
આ પ્રસંગે મુળ તાપી જિલ્લાના સ્વતંત્રતા સેનાનીઓ સ્વ.શ્રી સન્મુખલાલ ગોરધનદાસ શાહ વતી તેઓના પુત્રો જયેશભાઈ અને શૈલેષભાઈ સન્મુખલાલ શાહ, સ્વ. સવિતાબેન અને સ્વ.શ્રી સુરેશ કલ્યાણભાઇ ગામીત વતી તેઓની પુત્રી શીલાબેન સુરેશભાઈ ગામીત, અને સ્વ.શ્રીમતી સરસ્વતીબેન અને વનમાળીભાઇ ડી.ચૌધરી વતી તેઓના પુત્ર – શાંતિલાલભાઈ વનમાળી ચૌધરીને મોમેંટો અને અને શાલ ઓઢાડી સન્માનિત કર્યાં હતા.
આ અવસરે પરિવારજનોએ આનંદ અને ગર્વની લાગણી અનુભવતા સ્વતંત્રતા સેનાની તરીકેના જીવન પ્રસંગોને અભિવ્યક્ત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
આ પ્રસંગે ડીએસપીશ્રી જાડેજા, પદ્મશ્રી રમીલાબેન ગામીત, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ, જિ.પં.ઉપપ્રમુખ અર્જુનભાઇ ચૌધરી, બાંધકામ સમિતીના અધ્યક્ષ નિતિનભાઇ તથા મધુબેન અને રમત ગમત કચેરીના જિલ્લા પ્રાંત યુવા વિકાસ અધિકારી મીત ચૌહાણ સહિત ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦