તાજેતરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ સ્થિતિ અંગેની સમીક્ષા કરતા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
તાપી જિલ્લાની મુલાકાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
માહિતી બ્યુરો, તાપી તા.૦૨ :- વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બોરખડી, લોટરવા અને કહેર ગામ ખાતે ભારે વરસાદથી પ્રભાવિત કેટલાક વિસ્તારોની સ્થળ મુલાકાત કરી જાતનિરીક્ષણ કર્યું હતું.વરસાદી પાણીથી અસરગ્રસ્ત પરિવારો અને ગ્રામજનો સાથે જાત મુલાકાત લઈ વાતચીત કરી સમસ્યાઓથી વાકેફ થયા હતા.
જેમાં બોરખડી ગામે ઘરની છત ઉડી જવાથી ઘરમાં પાણી ભરાઈ જવા તેમજ લોટરવાના એક-બે ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સરકાર તરફથી મળવાપાત્ર સહાયની ચૂકવણી અંગે મંત્રીશ્રી પટેલે પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
વરસાદથી અસરગ્રસ્તોને થયેલ નુકસાન/ઘટના સંદર્ભે ત્વરિતપણે રિપોર્ટ બનાવી સંબંધિત વિભાગમાં રજુ કરી અસરગ્રસ્ત પરિવારોને સહાય મળે તે માટે મંત્રીશ્રીએ ગામના સરપંચશ્રી તેમજ તલાટીશ્રીઓને સૂચનો આપ્યા હતા.
તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે થયેલ નુકસાન અંગે ઝડપભેર સર્વેની કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. જિલ્લા વહીવટીતંત્રએ પણ પુરઝડપે સર્વેની કામગીરી હાથ ધરી છે.
આ ઉપરાંત કહેર મુકામે રેલ્વે અંડર ગ્રાઉન્ડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો સંપર્ક વિહોણા બની રહે છે. જે અંગે ગ્રામજનો પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવી મંત્રીશ્રી પટેલે તાત્કાલિક ધોરણે નવા બ્રિજ અંગેની દરખાસ્ત રજુ કરવા તથા તે માટે સર્વે કરી વૈકલ્પિક રસ્તા અંગેની જાણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
અસરગ્રસ્ત ગામોની મુલાકાત દરમિયાન વ્યારાના પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ, વ્યારા મામલતદારશ્રી એચ.જે.સોલંકી, તંત્રના સંબંધિત અધિકારીશ્રી-કર્મયોગીઓ સહિત અસરગ્રસ્ત ગામોના સરપંચશ્રી-તલાટીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
oooo