કાકડકૂવા પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક વય નિવૃત્ત થતા ગ્રામજનોએ ભાવભરી વિદાઈ આપી
૩૭ વર્ષ આદિવાસી સમાજની સેવા બજાવી અનેક વિદ્યાર્થીઓના ભાવી ઉજ્જવળ બનાવ્યા વરસતા વરસાદમાં કાકડકૂવા ગામના બાળકો,વાલીઓ અને શાળા પરિવારે સંસ્મરણો યાદ કરી ભારે હૈયે અનોખી વિદાય આપી
(માહિતી બ્યુરો વ્યારા) તા.૩૦ઃ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાકડકૂવા પ્ર.ઉમરદા પ્રાથમિક શાળાના સાચા કર્મયોગી આચાર્ય અને શિક્ષક શ્રી ગણપતભાઈ બાલુભાઈ ચૌધરી ૩૭ વર્ષની સેવા બજાવી વય નિવૃત્ત થતા કાકડકૂવા ગામના બાળકો,વાલીઓ અને શાળા પરિવારે સંસ્મરણો યાદ કરી ભારે હૈયે અનોખી વિદાય આપી હતી.
સોનગઢના અંતરિયાળ વિસ્તારમાં સૌપ્રથમ ડોસવાડા ગામે ૭ વર્ષ અને બાકીના ૩૦ વર્ષ કાકડકૂવા ગામમાં શિક્ષણની આહલેક જગાવી આદિવાસી સમાજમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર ગણપતભાઈની કામગીરીને અધ્યક્ષ સ્થાનેથી ગામના આગેવાન અને તાલુકાના સભ્ય રાયસીંગભાઈએ બિરદાવી હતી.
ગણપતભાઈએ નોકરી દરમિયાન કરેલી કામગીરીનું વર્ણન કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ઘરે જઈને વાલીઓને મળીને શાળાએ નિયમિત કરવા,ઉચ્ચ અભ્યાસ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પોતાની કોઠાસૂઝથી શિક્ષકો સાથે મળીને બાળકોને તૈયાર કર્યા, દર વર્ષે કાકડકૂવા પ્રાથમિક શાળાના ૪ થી ૫ બાળકો તાપીની પ્રખ્યાત એકલવ્ય મોડેલ શાળા,ખોડદા તેમજ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવે છે. આજે કેટલાયે ગરીબ પરિવારમાંથી આવતા બાળકોને કપડા,પુસ્તકો વિગેરે પુરા પાડી તૈયાર કર્યા, હાલમાં જ ધોરણ-૫ માં ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં કુલ ૧૪ બાળકો પૈકી ૧૩ બાળકો પાસ અને તે પૈકી ૨ બાળકોએ ૯૦ ઉપર અને ૫ વિદ્યાર્થીઓ ૮૦ ઉપર ગુણ મેળવી સારી શાળામાં પ્રવેશ માટે હકદાર બન્યા હતા.શિક્ષણના આ સેવાયજ્ઞના ફલસ્વરૂપે કાકડકૂવા ગામના ૫ એન્જિનયર પૈકી એક વિદ્યાર્થી કચ્છ-અબડાસા ખાતે વીજ કું.માં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવે છે. જ્યારે એક આહવા વિજ્ઞાન કોલેજમાં પ્રોફેસર અને એક વિદ્યાર્થીની વડનગર ખાતે એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરી રહી છે. અનેક વિદ્યાર્થીઓ એમ.એ.બી.એઙ, ૧ વિદ્યાર્થીની એમ.એસ.સી.બી.એડ સુધી અભ્યાસ કર્યો છે.હજુ ઘણાબધા વિદ્યાર્થીઓ એન્જિ અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છે. કાકડકૂવા ગામનું નામ રોશન કરવા કટીબધ્ધ છે.
શિક્ષક ની સેવામાંથી નિવૃત્તિ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે બીજી શાળામાં અભ્યાસ માટે ગયેલા બાળકો પણ અચૂક આવ્યા અને પોતાના ગુરૂની વિદાય પ્રસંગને ભાવુક બનાવ્યો હતો.શાળા પરિવાર ચકવાણ કેન્દ્ર શાળા,એસએમ.સી.સમિતિ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વયનિવૃત્ત થતા ગણપતભાઈ બાલુભાઈ ચૌધરીને શ્રીફળ અર્પણ કરી,શાલ ઓઢાડી, સ્મૃતિભેટ અર્પણ કરી હતી. વહેલી સવારથી ગામના યુવાનોએ વરસાદી માહોલમાં તાડપત્રી વ્યવસ્થા કરીને મંડપ તૈયાર કર્યો હતો.
અબડાસા-કચ્છમાં વીજકું.માં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા સુલેમાનભાઈ ગામીત,આહવા વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક આશિષભાઈ ગામીત,ભગુભાઈ ગામીત,રૂમસીભાઈ ગામીત, કંકાવતી ભગુભાઈ ગામીત,માજી કેન્દ્ર શિક્ષકવજેસીંગભાઈ ચૌધરીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું.
રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડી શિક્ષક અને ચિમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપભાઈ આર.ચૌધરીએ પ્રસંગોચિત વિદાઈગીત રજુ કરી સૌને ભાવવિભોર બનાવ્યા હતા. દેવજીભાઈ પાસ્ટર તથા શાળાની બાલિકાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજુ કર્યું હતું.
સુરત જિલ્લાના નળધરા-સરકાર ફળિયાના વતની ગણપતભાઈના પત્નિ અનિલાબેન કાકડકૂવા પ્રા.શાળામાં શિક્ષકા તરીકે ફરજ બજાવે છે. તેમના બે દિકરા ડીગ્રી એન્જી. થયા છે.મોટો દિકરો જિગેશ દામનગર જિ.અમરેલી ખાતે બેન્કમાં ફરજ બજાવે છે. જ્યારે નાનો દિકરો જયનિલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.
આ વિદાય પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝીણીબેન ગામીત, કાકડકૂવા પ્ર.ઉ.ના શિક્ષક સ્ટાફ, ચકવાણ કેન્દ્ર પરિવાર ના સારસ્વતો, રાજેશભાઈ,ભીખુભાઈ,વસંતભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.