કેવિકે વ્યારા ખાતે માસિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ

દક્ષીણ ગુજરાતનાં દરેક કેવિકે પોતાના જિલ્લાનાં છેવાડાંના ગામડાઓ સુધી પહોચી વૈજ્ઞાનિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શીત કરી રહ્યા છે.- ડૉ. એન. એમ. ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી
માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૩૦: ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે તાજેતરમાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા માસીક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કાર્યક્ષેત્રમાં આવતા દક્ષિણ ગુજરાતના કુલ સાત કેવિકેનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત ડૉ. એન. એમ. ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીએ દરેક કેવિકે દ્વારા કરેલી કામગીરીની સમિક્ષા કરી તેને બિરદાવી હતી. વધુમાં, તેણે જણાવ્યુ કે, નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કાર્યક્ષેત્રમાં આવતા સાતેય કેવિકે હરહંમેશ ખેડૂતો માટે કાર્ય કરી રહ્યા છે. દરેક જિલ્લાનાં કેવિકે દ્વારા ખેડૂતોને ખેતી, પશુપાલન, બાગાયત અને ગ્રુહવિજ્ઞાન અંગે સારુ માર્ગદર્શન તેમજ આર્થીક ઉપાર્જન મેળવી રહ્યા છે. દક્ષીણ ગુજરાતનાં દરેક કેવિકે પોતાના જિલ્લાનાં છેવાડાંના ગામડાઓ સુધી પહોચી વૈજ્ઞાનિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શીત કરી રહ્યા છે.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી એમ. ડી. લાડ, મદદનીશ વિસ્તરણ અધિકારી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીએ બેઠકમાં ઉપસ્થિત બધા અધિકારીઓને આવકાર્યા હતા. વધુમાં ભવિષ્યમાં ખેડૂતલક્ષી શું ઉપયોગીતા છે તેના વિશે માહિતી આપી હતી. ત્યારબાદ દરેક કેવિકેનાં વડાઓ દ્વારા કેવિકેની કામગીરીની માહિતી પાવરપોઇંટના માધ્યમ દ્વારા બતાવવામાં આવી હતી.
આ ઉપરાંત ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ટ્રાયબલ સબ પ્લાન યોજના અંતર્ગત દરેક ટ્રાયબલ કેવિકેને કૃષિ યંત્રો આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીનાં હસ્તે કેવિકે વ્યારા ખાતે ખરીદ કરેલા કૃષિ યંત્રોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપસ્થિત એગ્રીમીડીયા એપના સંસ્થાપક શ્રી જગદીશ ઘાનાણી દ્વારા વિગતવાર માહિતી આપી હતી.
બેઠકના અંતે કેવિકે, વ્યારા દ્વારા છ માસિક ન્યુઝલેટરનું આમંત્રીત મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી એમ. ડી. લાડે આભારવિધી કરી હતી.
00000000000