ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીની ૯૮ મી વાર્ષિક સાધારણ સભા મળી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ધી ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી., ઓલપાડની ૯૮ મી વાર્ષિક સાધારણ સભા મંડળીનાં ચેરમેન કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ પ્રસંગે મંડળીનાં વાઇસ ચેરમેન બળદેવભાઇ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, મંડળીનાં કારોબારી સભ્યો ઉપરાંત સભાસદ શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.
સભાની શરૂઆતમાં ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં સદગતિ પામેલ મૃતકોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મંડળીનાં જોઇન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે ગત સભાનું પ્રોસિડિંગ વાંચી સંભળાવ્યું હતું જે સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું. તેમણે સને ૨૦૨૨-૨૩ નું પુંજી-દેવું રજૂ કરી કાર્યસૂચિ મુજબનાં મુદ્દાઓની ચર્ચા કરી હતી.
આ પ્રસંગે મંડળીનાં ચેરમેન કિરીટભાઈ પટેલે પ્રમુખસ્થાનેથી આગામી દિવસોમાં કરજ લોનની રાશિ વધારવા અંગેની વાત રજૂ કરી હતી જેને સૌએ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સભાસદોનો સહકાર, સંચાલકોની સેવા, સાથે જ ઈશ્વરનાં આશીર્વાદ અને પરસ્પરનાં સંકલન થકી જ આપણે અપેક્ષિત પ્રગતિ કરી શક્યા છીએ.
મંડળીની પરંપરા મુજબ આ સભામાં ચાલુ વર્ષે નિવૃત્ત થયેલ શિક્ષક ભાઈ-બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સભાસદ ભાઈ-બહેનોનાં દીકરા-દીકરીઓ કે જેમણે એસ.એસ.સી. તથા એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે તેમને રોકડ રકમ અર્પણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.
અંતમાં સંસ્થાની પ્રગતિ અને સભાસદોનાં હિતનો ભાવ વ્યક્ત કરી આભારવિધિ મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે આટોપી હતી. સભાને સફળ બનાવવા બીજા જોઇન્ટ સેક્રેટરી શશીકાંત પટેલે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *