તાપી જિલ્લાના ૭૫ અમૃત સરોવર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
સ્થાનિક ગ્રામજનો, શાળાના બાળકોએ અમૃત સરોવર ખાતે યોગ કર્યા
–
માહિતી બ્યુરો તાપી,તા.21: યોગ, એ ભારતીય સંસ્કૃતિએ અને આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ છે. આ મહામૂલી ભેટને વિશ્વ ફલક પર નામના અપાવવા જ નહી પરંતુ ભારત દેશ સહિત વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે, દુનિયાના લોકો યોગ અપનાવવાથી તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા યુનાઇટેડ નેશન્સની મહાસભામાં વર્ષ-૨૦૧૪માં ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો.
યુનાઇટેડ નેશન્સની મહાસભા દ્વારા વર્ષ ૨૦૧૫માં આ પ્રસ્તાવનો સહર્ષ સ્વીકાર કરી, ૨૧ મી જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. અને ત્યારથી ૨૧ મી જૂનના દિને દર વર્ષે સમગ્ર વિશ્વ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરે છે.
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા સહિત સમગ્ર દેશમાં ૭૫ અમૃત સરોવરોનું નિર્માણ થયું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તાપી જિલ્લાના ૭૫ અમૃત સરોવરો ખાતે પણ કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક ગ્રામજનો, વડિલો, સ્થાનિક પદાધિકારીઓ, શિક્ષકો અને ગામના આગેવાનોએ અમૃત સરોવર ખાતે યોગાભ્યાસ કરી આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦૦