G-20 અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્રારા તાલુકા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માટે G-20 નાં સહ યજમાન તરીકે G-20 બેઠકો દરમિયાન જનભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે રાજ્ય કક્ષાએથી પસંદગીની સરકારી પ્રાથમિક શાળાનાં બાળકો માટે ‘નાણાંકીય સાક્ષરતા’ વિષય પર તાલુકા કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાનું એક પત્રમાં જણાવેલ છે. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્રારા તાલુકા કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન અત્રેનાં બી.આર.સી. ભવન ખાતે કરવામાં આવ્યું હતું.
સદર સ્પર્ધામાં તાલુકાની પસંદગીની શાળાઓ ઉમરા, કીમ, ઓલપાડ મુખ્ય, ટકારમા, અસ્નાબાદ, સાયણ, ગોથાણ, કુડસદ, આશિયાનાનગર અને સીથાણ મળી કુલ 10 પ્રાથમિક શાળાઓનાં 20 બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. પ્રારંભે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સ્પર્ધક બાળકો તથા તેમનાં માર્ગદર્શક શિક્ષકોને આવકારી તેમની સમક્ષ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. સ્પર્ધાનાં કન્વીનર એવાં સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ ક્વિઝનાં નિયમોની છણાવટ કરી હતી.
રોમાંચક ટાઇને અંતે વિજેતાઓનાં આ મુજબ પરિણામ ઘોષિત થયા હતાં. પ્રથમ: રોહન કલસરિયા અને ધ્વનિ ભટ્ટ (અસ્નાબાદ પ્રાથમિક શાળા), દ્વિતીય: અબ્દુલ્લા પઠાણ અને મૈલીસ પઠાણ (આશિયાનાનગર પ્રાથમિક શાળા) તૃતિય: ઋત્વિ પટેલ અને ખુશ્બુ રાઠોડ (ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા). વિજેતા બાળકો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે તેજસ નવસારીવાલા (સી.આર.સી. કો-ઓર્ડિનેટર, સાંધીએર), મિતેશ પટેલ (સી.આર.સી. કો-ઓર્ડિનેટર, સાયણ) તથા હર્ષદ ચૌહાણ (સી.આર.સી. કો-ઓર્ડિનેટર, ઓલપાડ)એ સેવા આપી હતી.
સ્પર્ધામાં ભાગ લેનાર સૌ બાળકો અને તેમનાં માર્ગદર્શક શિક્ષકો સહિત વિજેતા બાળકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.