વ્યારા તાલુકાના ડુંગરગામ, કાટીસકુવા દુર અને ઘાટા ગામની પ્રાથમિક શાળા, બાલવાટીકા અને આંગણવાડીના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવતા રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતી
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેણવણી મહોત્સવ-2023–બીજો દિવસ-તાપી જિલ્લો
–
”શિક્ષણ એટલે કેળવણીનું સાધન. એક ઉત્તમ જીવન જીવવાનું માધ્યમ.”- રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતી
–
ત્રણે-ત્રણ શાળાના ધોરણ-૩ થી૮ ના તમામ વિદ્યાર્થીઓ માટે નોટબુક ભેટમાં આપતા મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતી
…………….
માહિતી બ્યુરો, તાપી.તા.13: કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ, ૨૦૨૩ના બીજા દિવસે તાપી જિલ્લામા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને વ્યારા તાલુકાના ડુંગરગામ, કાટીસકુવા દુર અને ઘાટા ગામ ખાતે ભવ્ય કાર્યક્રમોના સથવારે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ભણતર થકી જ વ્યક્તિનો વિકાસ શક્ય છે, અને વ્યક્તિગત વિકાસ થકી જ સમગ્ર દેશનો ઉદ્વાર છે. જેના માટે વાલીઓ અને શિક્ષકો બન્નેએ સજાગતા રાખવી જરૂરી છે. મંત્રીશ્રીએ પોતાની કારકિર્દીને ઉદાહરણ તરીકે દર્શાવી દરેક વાલીને પોતાના બાળકને ભણતર થકી આગળ વધારવા અપીલ કરી હતી.
મંત્રીશ્રીએ શિક્ષણ એટલે ફક્ત નોકરી મેળવવાનું સાધન નહી, પરંતું શિક્ષણ એટલે કેણવણીનું સાધન. એક ઉત્તમ જીવન જીવવાનું માધ્યમ એવી સમજ કેળવવા ભારપુર્વક જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સ્કુલ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તત્કાલિન મુખ્યમંત્રી અને દિર્ઘદ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કન્યા કેણવણી અને પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. તેઓની સુઝબુઝના કારણે ગુજરાતે શિક્ષણમાં સિધ્ધિ મેળવી છે.
વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગુજરાતની સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય જેમાં ફ્રીશિપ કાર્ડ જેવી વિવિધ યોજનાઓ અંગે વાલીઓને ખાસ માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે બેગ, પુસ્તક અને ચોકલેટનું વિતરણ કરી આંગણવાડી, બાલવાટીકા અને શાળાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
નોંધનિય છે કે, મંત્રીશ્રીએ પોતાની ગ્રાંટમાંથી ત્રણે-ત્રણ શાળાના ધોરણ-૩ થી૮ ના તમામ વિદ્યાર્થીઓ માટે નોટબુક ભેટમાં આપી તેઓના ઉજ્જ્વળ ભવિષ્યની કામના વ્યક્ત કરી હતી.
આ સાથે તમામ કાર્યક્રમમાં શાળામાં પ્રથમ આવેલા તેજસ્વી તારલાઓ, કોમન એન્ટ્રન્સ એક્ષામમા પાસ થયેલા વિદ્યાર્થીઓની સાથે સાથે ગામની શાળામાં ભણતર મેળવેલા વરિષ્ઠ નાગરિકોને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાટીસકુવા દુર ગામની પ્રાથમિક શાળાના પુર્વ આચાર્ય શ્રીમતી કમળાબેન દ્વારા શાળામાં ટીવી અને માઇક્રો ફોન, સ્પીકર દાનમાં આપવા બદલ તથા વિવિધ નાગરિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે કાટીસકુવા દુર પ્રાથમિક શાળાને સી ગ્રેડમાંથી ગ્રીન-1 ગ્રેડ મા લઇ જવા બદલ હાલના આચાર્યશ્રીને મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્ક્રીનિગ કરેલા તમામ બાળકોને હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
મંત્રીશ્રીએ એસ.એમ.સી. ના સભ્યો સાથે બેઠક યોજી શાળાને સંલગ્ન પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. તમામ શિક્ષકોને પ્રામાણિક બની બાળકો પ્રત્યે પોતાની ફરજ અદા કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં બાળકોએ અમૃત વાણીના સંદર્ભમાં “વૃક્ષારોપણનું મહત્વ”, “બેટી બચાવો, બેટી પઢાવો”, “જળ એ જ જીવન” વિષય ઉપર વક્તવ્ય રજુ કર્યું હતું. આ સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં પણ શાળાના બાળકોએ અરવિંદભાઇ ગામીતને સાથ સહકાર આપ્યો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળા આંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
કાટીસકુવા તથા ઘાટા પ્રાથમિક શાળા ખાતે રાજ્યમંત્રીશ્રીએ બળદગાળામાં બાળકો સાથે બેસી શાળામાં પ્રવેશ કર્યો હતો. અને બાળકો સહિત ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પ્રા.શિ.અધિકારીશ્રી જયેશભાઇ ચૌધરી, જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદ ભોયે, તાલુકા શિક્ષણઅધિકારી શ્રી શૈલેશ પરમાર, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, શિક્ષક ગણ, એસ.એમ.સી. ના સભ્યો સહિત ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦