સોનગઢ તાલુકાની ઘાસીયામેઢા, જમાપુર અને પાંચપીપળા પ્રાથમિક શાળાએથી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩નો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ

Contact News Publisher

ઉજવણી ઉજ્જ્વળ ભવિષ્યની : શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩-તાપી

કોઇ પણ કાળે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેની તકેદારી રાખવા વાલીઓને અનુરોધ કરતા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ*

“તાપીમાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો 2.38 ટકા છે. જેને આપણે ભવિષ્યમાં ઝીરો કરવાનો છે”- મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ

માહિતી બ્યુરો, તાપી તા.૧૨: તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ, ૨૦૨૩નો શુભારંભ થયો છે. ત્યારે તાપી જિલ્લામા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકાની પ્રાથમિક શાળા ઘાસીયામેઢા, જમાપુર અને પાંચપીપળા ખાતે ભવ્ય કાર્યક્રમોના સથવારે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો.

આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ સૌ બાળકોને ભણીગણી દેશના વિકાસમા સહભાગી બનવાની પ્રેરણા આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં પ્રાર્થનાના ગીત “મનુષ્યતુ બડા મહાન હે…” ગીતને પોતાના મનથી આગવી રીતે શિક્ષકોના સંદર્ભમાં રજુ કરતા કહ્યૂ હતું કે, “શિક્ષક તું બડા મહાન હે, તુ જો ચાહે બચ્ચો કો ડોકટર બનાદે, તુ જો ચાહે બચ્ચો કો એન્જીનીયર બનાદે, તુ જો ચાહે મેરે જેસા રાજનેતા બના દે…” એમ ભાવવિભોર બની શિક્ષકોને ખાસ અનુરોધ કર્યો હતો કે, તમામ બાળકોને પોતાના બાળકો હોય તેમ વર્તન કરે અને તેટલી જ કાળજી સાથે તેઓનું જતન કરે.

તેમણે ઉમેર્યુ હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શાળા પ્રવેશોત્સવની શરુઆત કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ આવી અને નાગરિકો શિક્ષણનું મહત્વ પણ સમજતા થયા. સમગ્ર રાજ્યમાં વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટીને ૨.૮૦ ટકા સુધી પહોંચ્યો હતો, જ્યારે ધોરણ ૧ થી ૫ નો ડ્રોપઆઉટ રેટ વર્ષ ૨૦૨૧-૨૨માં ઘટીને ૧.૨૩ ટકા સુધી પહોંચ્યો હતો.

તાપી જિલ્લાની વાત કરીએ તો તાપીમાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો 2.38 ટકા થયો છે, અને વર્ષ 2021-22 તાપી જિલ્લાનો ગર્લ્સ ડ્રોપ-આઉટ રેશિયો 2.41 ટકા થયો છે. જેને આપણે ભવિષ્યમાં ઝીરો કરવાનો છે એમ કહી સૌ વાલીઓને બાળકોના કારકીર્દી ઘડતરમાં ખાસ કાળજી રાખવા, અને કોઇ પણ કાળે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ પોતાની ગ્રાંટમાંથી ત્રણે-ત્રણ શાળાના ધોરણ-૩ થી૮ ના તમામ વિદ્યાર્થીઓ માટે નોટબુક ભેટમાં આપી હતી. આ સાથે તમામ કાર્યક્રમમાં શાળાના તેજસ્વી તારલાઓને સ્મૃતિભેટમાં બુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે બેગ, પુસ્તક અને ચોકલેટનું વિતરણ કરી આંગણવાડી, બાલવાટીકા અને શાળાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્ક્રીનિગ કરેલા તમામ બાળકોને હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ એસ.એમ.સી. ના સભ્યો સાથે બેઠક યોજી શાળાને સંલગ્ન પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.

કાર્યક્રમમાં બાળકોએ “બેટી બચાવો, બેટી પઢાવો”, “વૃક્ષારોપણનું મહત્વ”, “જળ એ જ જીવન” વિષય ઉપર વક્તવ્ય રજુ કર્યું હતું. આ સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં પણ શાળાના બાળકોએ અરવિંદભાઇ ગામીતને સાથ સહકાર આપ્યો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળા આંગણમાં વૃક્ષારોપણ કરી બાળકોને આ વૃક્ષનો ઉછેર કરવાની સલાહ આપવાની સાથે આજના દિવસને યાદગાર બનાવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પ્રા.શિ.અધિકારીશ્રી જયેશભાઇ ચૌધરી, જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદ ભોયે, તાલુકા શિક્ષણઅધિકારી શ્રી શૈલેશ પરમાર, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, શિક્ષક ગણ, એસ.એમ.સી.ના સભ્યો સહિત ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સહળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other