ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો દબદબાભેર પ્રારંભ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સમગ્ર શિક્ષા અંતર્ગત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં બાલ વાટિકા તથા પહેલા ધોરણમાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ હાંસલ કરવા રાજય સરકારશ્રીએ અમલી બનાવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો તેનાં પ્રથમ દિવસે સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં દબદબાભેર પ્રારંભ થયો હતો.
તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓ પૈકી પ્રથમ દિવસે કુલ ૧૨ રૂટની ૩૮ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સરકારશ્રી ધ્વારા નિયુકત અધિકારીઓ, પદાધિકારીઓ અને તેમની સમગ્ર ટીમે નિયત શાળાઓમાં ઉપસ્થિત રહીને ધોરણ-૧, બાલવાટિકા તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને વિધિવત પ્રવેશ સાથે આવકાર આપ્યો હતો. બાળકોને મીઠાઈ, ચોકલેટ વડે મોં મીઠુ કરવામાં આવ્યું હતું. પ્રવેશ પામેલ દરેક બાળકને દાતાઓ તરફથી દફતર તેમજ શૈક્ષણિક કીટ ઉપરાંત યુનિફોર્મ, ભૌતિક સુવિધાના઼ં સાધનો અર્પણ કરવામાં આવ્યા હતાં. દરેક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં ગત વાર્ષિક પરીક્ષામાં ૧ થી ૩ નંબરે ઉત્તિર્ણ થયેલ બાળકોને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમનાં ભાગરૂપે ગુજરાત સ્ટેટ મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગરનાં મેનેજીંગ ડીરેક્ટર પી.ડી.પલસાણા (આઈ.એ.એસ.) સરસ, કુદિયાણા અને દાંડી ગામની પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહયા હતાં. તેમણે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષનાં રાજય સરકારનાં શ્રેષ્ઠ પ્રયાસો થકી કન્યા કેળવણીને ઉત્તેજન મળ્યું છે. પ્રવેશોત્સવ થકી રાજયમાં ડ્રોપ આઉટનો દર ઘટવા પામ્યો છે. બીજી તરફ ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, ફાર્મસ વેલ્ફેર એન્ડ કોર્પોરેશન, ગાંધીનગરનાં કે.આર.ભટ્ટ (ડી.એસ.) મુળદ, કીમ અને કુડસદ ગામની પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહયા હતાં. તેમણે સમગ્ર ગુજરાતમાં કન્યાઓનાં શિક્ષણનાં પ્રમાણને ઉંચું લાવવાની સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓની છણાવટ કરી હતી.
ઓલપાડનાં પ્રાંત અધિકારી સી.કે. ઉંધાડ વડોદ, કરમલા અને મોરથાણ ગામની પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહયા હતાં. તેમણે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે તાલુકાની પ્રાથમિક શાળાઓ સરકારનાં યોગ્ય પ્રયત્નો અને લોકભાગીદારી થકી તમામ ક્ષેત્રે ગતિવંત બની છે ત્યારે આપણું બાળક એમાં પાછળ ન રહી જાય એ આપણા સૌની જવાબદારી છે. બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ટકારમા અને એરથાણ ગામની પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહીને શાળામાં પ્રવેશ પામેલ બાળકોને આશીર્વચન પાઠવ્યા હતાં. તેમણે પોતાનાં ઉદબોધનમાં કન્યા કેળવણી, સ્થાયીકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકયો હતો.
કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે ૩૮ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ માં ૨૫ કુમાર અને ૩૩ કન્યાઓ મળી કુલ ૫૮ બાળકો તથા બાલવાટિકામાં ૧૫૯ કુમાર અને ૧૫૬ કન્યાઓ મળી કુલ ૩૧૫ બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જયારે આંગણવાડીમાં ૪૪ કુમાર અને ૪૮ કન્યાઓ મળી કુલ ૧૮૦ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ રૂા.૪,૨૭,૪૮૬ જેટલી માતબર રકમ વસ્તુ સ્વરૂપે દાતાઓ તરફથી મળવા પામી હતી. જયારે કુલ રૂા.૩૯,૫૦૦ જેટલી રોકડ રકમ પણ શાળાઓને પ્રાપ્ત થઈ હતી. કાર્યક્રમને અંતે તમામ પ્રાથમિક શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other