તાપી જિલ્લાના આંગણવાડી પ્રવેશોત્સવમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવતા ભુલકાઓ
બાળકોને હાથે તૈયાર કરેલા મનોહર આમંત્રણ પત્ર પાઠવતા ગ્રામજનો ગદગદ થયા
…….
“આંગણવાડીમાં પ્રવેશનો તહેવાર, શિક્ષણ મોજ મસ્તી જ્ઞાન સાથે ગમ્મત, શિક્ષણનો હાથ સાથે પોષણશ્રમ આહાર
……
તાપી જિલ્લામાં કુલ ૮૫૯ આંગણવાડીમાં પ્રવેશ પાત્ર કુમાર – ૪૪૩ અને કન્યા – ૪૧૬ બાળકો
–
અહેવાલ : વૈશાલી પરમાર
માહિતી બ્યુરો,તાપી તા.11: સમગ્ર રાજ્યમાં આજે તા. ૧૨ જુનથી તા.૧૪ જુન, ૨૦૨૩ શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ યોજાનાર છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી શિક્ષણ સાથે ઇત્તર પ્રવૃત્તિઓ થકી માનવ સંશાધન વિકાસનો રાજ્ય સરકારનો અભિગમ સાર્થક થઇ રહ્યો છે.
તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા પોગ્રામ ઓફિસર સુશ્રી તન્વી પટેલના માર્ગદર્શન હેઠળ આંગણવાડી પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૩-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા ભૂલકાઓ આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ મેળવે તે હેતુથી ૭ (સાત) ઘટકોમાં વિવિધ પ્રચાર પ્રસારની કામગીરી ઝુંબેશરૂપે કરવામાં આવી છે.
તાપી જિલ્લામાં બળદ ગાડામાં બેસાડી ભુલકાઓને આંગણવાડીની મુલાકાત લેવડાવામાં આવી રહી છે. આ ઉપરાંત ઢોલ નગારા વગાડી રેલી કાઢી ગીતો ગાતા ગામમા ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે.
આંગણવાડીના બાળકો દ્વારા પોતાના હાથે બનાવવામાં આવેલ આંમત્રણ કાર્ડ ગામના આગેવાનોને, અને નવા આવનાર બાળકોના પરિવારજનોને આપતા ગ્રામજનો ખુશ ખુશાલ છે. તો ક્યાંક-ક્યાંક ગદગદ બન્યા પણ બન્યા છે. ગ્રામજનોએ ચોક્કસ આંગણવાડીમાં બાળકોને મોકલવાની નેમ લીધી છે. આ સાથે આંગણવાડી બહેનો દ્વારા આદિવાસી ગીતોમાં યોજનાકીય સંદેશા સાથે ગ્રામજનોને આંગણવાડી પ્રવેશોત્સવ અંગે જાગૃત કર્યા હતા.
વધુમાં બહેનોએ આંગણવાડી કેન્દ્રની સાફસફાઇ કરી અવનવી ચીજ વસ્તુઓથી સાજ સજાવટ કરી ભુલકાઓને આવકારવા તૈયારી કરી દીધી છે.
નોંધનિય છે કે, તાપી જિલ્લામાં કુલ ૮૫૯ આંગણવાડીમાં પ્રવેશ પાત્ર કુમાર –૪૪૩ અને કન્યા–૪૧૬ બાળકો છે. જેઓ સમગ્ર રાજ્ય સહિત 12મી જુને આંગણવાડી પ્રવેશોત્સવમાં ભાગ લેશે.
0000000