તાપી જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી નાગરિકોને જાગૃત કરાયા
“ખુશીઓનું નવું સરનામું, આંગણવાડી કેન્દ્ર અમારુ”
–
“આંગણવાડીમાં પ્રવેશનો તહેવાર, શિક્ષણ સાથે મોજમસ્તી અને પોષણ આહાર”
–
આંગણવાડી પ્રવેશોત્સવ વર્ષ: ૨૦૨૩-૨૪
માહિતી બ્યુરો, વ્યારા-તાપી 07: તાપી જિલ્લામાં ICDS વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ આંગણવાડી પ્રવેશોત્સવ વર્ષ: ૨૦૨૩/૨૪ કાર્યક્રમ અંતર્ગત પ્રચારકાર્ય શરૂ કરવામાં આવ્યુ છે.
આંગણવાડી પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ નાગરિકોને આંગણવાડી પ્રત્યે જાગૃત કરવાની સાથે, બાળકને જાતે આંગણવાડીમાં આવવાનું મન થાય તેવો માહોલ તૈયાર કરવાનો છે. સમગ્ર રાજ્યમાં નવા સત્ર માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન હાથ ધરાયું છે. ત્યારે તાપી જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ આંગણવાડીઓમાં જુદી-જુદી શ્રેણીબદ્ધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
જેમાં જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રમાં ભૂલકાઓ પ્રવેશ મેળવે તે હેતુથી દરેક વિવિધ ઘટકોમાં ઢોલ નગારા, રેલી કાઢી ગીતો ગાવા, બાળકો દ્વારા બનાવવામાં આવેલ આંમત્રણ કાર્ડ ગામના આગેવાનોને આપવા જેવી પ્રવૃતિઓ, તેમજ યોજનાકીય સંદેશા સાથે ગામની શેરીઓમાં સુત્રોચાર કરીને આંગણવાડી પ્રવેશોત્સવનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં તાપી જિલ્લામાં આદિવાસી નૃત્ય દ્વારા નાગરિકોને આકર્ષવા, રેલી કાઢી નારા લગાવવા જેવી પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમાં ગામના નાગરિક ભાઇ-ભહેનો ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે.
તાપી જિલ્લામાં કુલ-૮૫૯ આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકો છે. આ ઉપરાંત શેરી નાટક, ઢોલ નગારા વગાડી જાહેરાત કરવી, ભીંતચિત્રો, ગામના જાહેર સ્થળો પર જાહેરાત જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવનાર છે.
૦૦૦૦૦૦