સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ મુલતાની જમાત દ્વારા શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
સેમિનારમાં વક્તાઓ દ્વારા આપવામાં આવેલ ઊંડાણપૂર્વકનાં માર્ગદર્શનથી ઉપસ્થિત બાળકો સંતુષ્ટ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઝાલાવાડ મુલતાની જમાત, સુરેન્દ્રનગર દ્વારા શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમ ગુજરાતનાં તત્કાલીન પોલીસ અધિકારી એમ.એમ. અનારવાલા (IPS), ગુજરાત સરકારનાં વન અને પર્યાવરણ વિભાગનાં નિયામક સાજીદઅલી સૈયદ (IFS), રાજભવનનાં નિવૃત્ત અગ્ર રહસ્ય સચિવ મુસ્તુફા ખેડૂવોરા, ડો.નસરીનબેન શેખ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્નાઝ ચાનિયા તેમજ સરફરાજ શેખ (અમદાવાદ) ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં IPS એમ.એમ. અનારવાલાએ જીવનમાં શિક્ષણનાં મહત્વ વિષયક વાતો રજૂ કરી હતી. જ્યારે જનાબ સાજીદ અલી સૈયદ (IFS) એ સરકારની વિવિધ વિભાગોની સેવાકીય નોકરી અને તેની ભરતી બાબતની તૈયારી અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે મુસ્તુફા ખેડુવોરાએ કઠિન મહેનત, લગન, શ્રદ્ધા અને જનુન સાથે તૈયારી કરવાનું આહવાન કર્યું હતું.
સેમિનારનાં દ્વિતીય ચરણમાં શિક્ષણ વિભાગમાં વર્ષો સુધી સેવા આપી નિવૃત્ત થનાર એવાં ડો.નસરીનબેન શેખે બાળકોનાં મનોવલણો, હકારાત્મકતા અને જીવનમાં પોઝિટિવિટી ટકાવી રાખવા માટે શું કરવું અને તેમાં ખાસ કરીને મા-બાપની ફરજો વિશે ખૂબ ઉમદા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફરનાઝ ચાનિયાએ કોમર્સ લાઈનમાં રહેલી તકો બાબતે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદથી ખાસ ઉપસ્થિત સરફરાજ શેખે ધોરણ 12 અને સ્નાતક કે અનુસ્નાતક પછી સરકારનાં વિવિધ મંત્રાલયોની ભરતીઓ માટે કેવી રીતે ક્વોલિફાઇ થવાય, કેવી રીતે અરજી કરી શકાય તે અંગે વિશેષ છણાવટ કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝાલાવાડ સમાજનાં પ્રમુખ એવાં કામરેજ તાલુકાની કોસમાડી પ્રાથમિક શાળાનાં આચાર્ય યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમાજનાં ઉપપ્રમુખ, મંત્રી તેમજ સમગ્ર ઝાલાવાડ મુલતાની જમાત ટીમનાં સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સેમિનારમાં ઉપસ્થિત તમામ બાળકો માટે શૈક્ષણિક કીટ તેમજ બપોરનાં ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતમાં સમાજનાં ઓડિટર રસીદભાઈ મુલતાનીએ આભારવિધિ આટોપી હતી.