વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કરંજ પ્રાથમિક શાળા ખાતે ચેર જાગૃતિ અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો
ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગર આયોજીત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારત સરકાર દ્વારા દરિયાકાંઠાનાં સંરક્ષણ અને સ્થાનિક સમુદાયની આજીવિકાને ધ્યાનમાં લઈ અમલમાં મૂકવામાં આવેલ નવી યોજના MISHTI અંતર્ગત ચેર જાગૃતિ અંગેનો એક વિશેષ કાર્યક્રમ ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત કરંજ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસનાં શુભ અવસરે શાળાનાં સભાખંડમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા સુરત જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી કરિશ્માબેન રાઠોડ, ઓલપાડ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ કિશોરભાઈ રાઠોડ, કરંજ ગામનાં સરપંચ શ્રીમતી રાગિણીબેન પટેલ, ઉપસરપંચ રસિકભાઈ પટેલ તથા ગ્રામપંચાયત સભ્યો, પારડીઝાંખરી ગામનાં સરપંચ જયેશભાઈ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં કર્મચારીઓ, કરંજ કેન્દ્રાચાર્યા શ્રીમતી જાગૃતિબેન પટેલ, શાળાનાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે દીપ પ્રજવલન બાદ ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગરનાં પ્રતિનિધિએ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરી ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌએ ઉત્સાહભેર નિયત સમય મુજબ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરી હતી. અંતમાં સૌ પર્યાવરણ સુરક્ષા અને તેનાં સંવર્ધન બાબતે સંકલ્પબધ્ધ થયા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત ઇકોલોજી કમિશનની ટીમનાં ફરજનિષ્ઠ સભ્યો લોમેશ બ્રહ્મભટ્ટ, રોનક ગઢવી અને પ્રકાશ બામણીયાએ ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.