રાજ્યના સતત વધતા જતા ફોરેસ્ટ કવર વિસ્તારમાં તાપી જિલ્લાનો ફાળો ૪.૧૫ ટકા

Contact News Publisher

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની સાથે સાથે

તાપી જિલ્લાની દસ રેન્જમાં નોંધાયેલી ૧૯૩ JFMC ના માધ્યમથી વન જતન અને સંવર્ધનની કામગીરીની ફળશ્રુતિ :

અહેવાલ : મનોજ ખેંગાર

(તાપી માહિતી બ્યુરો): વ્યારા: તા:૩: ગુજરાતના પૂર્વીય પ્રવેશદ્વાર ગણાતા તાપી જિલ્લાને કુદરતે છૂટે હાથે સૌંદર્ય બક્ષ્યું છે. ડુંગરો, વન પ્રદેશ, મેદાની વિસ્તાર, સાથે અહીં સારો એવો જળ વિસ્તાર પણ તાપીની શાનમાં વધારો કરે છે.

તા.૫મી જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વેળા તાપી જિલ્લાના વન વિસ્તારની વાત કરીએ તો અહીં રાજ્યના ભૌગોલિક વિસ્તારના ૧૧.૧૫ ટકા વન વિસ્તાર પૈકી, એકલા તાપીમાં જ ૪.૧૫ ટકા વન વિસ્તાર નોંધાયો છે. જે જિલ્લા માટે ગૌરવની વાત છે.

ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના કુલ ૩૧૩૯ ચો.કિ.મી. ભૌગોલિક વિસ્તાર પૈકી ૨૮.૯૧ ટકા જેટલો વન વિસ્તાર આવેલો છે.

આ વન વિસ્તારોના જતન સંવર્ધન સાથે અહીં વસતા પ્રજાજનોને ઘર આંગણે જ રોજગારી મળી રહે, અને તેમનું જીવન નિર્વાહ સરળતાથી થઈ શકે તે માટે તાપી જિલ્લાના વન વિભાગ દ્વારા ‘સહભાગી વન વ્યવસ્થા’ ઉભી કરીને, વનોની ગીચતા અને તેનો વિસ્તાર વધારવાના સ્તુત્ય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

નાયવ વન સંરક્ષક શ્રી પુનિત નૈયરના જણાવ્યા અનુસાર તાપી જિલ્લાની જુદી જુદી દસ રેન્જમાં કુલ ૧૯૩ જેટલી ‘જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટિ’ JFMC રચીને, ૪૨૨૭૧.૭૨ હેકટર વિસ્તારમાં વન જતન, સંવર્ધનની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાપી જિલ્લાની સોનગઢ (ફોર્ટ) રેન્જમાં ૨૦ JFMC ૨૩૪૨.૯૫ હેકટર વિસ્તારમાં કાર્ય કરી રહી છે. તો ખેરવાડા રેન્જમાં ૯ JFMC – ૫૦૮૧.૦૯ હેકટર, મલંગદેવ ૨૧ JFMC – ૫૯૩૭.૮૫ હેકટર, નેશુ (પૂર્વ) ૬ JFMC – ૨૪૬૨.૨૩ હેકટર, નેશુ (પશ્ચિમ) ૨૯ JFMC – ૪૦૦૨.૫૪ હેકટર, સાદડવેક રેન્જમાં ૩૯ JFMC – ૨૯૬૫.૧૭ હેકટર, ટાપ્તિ રેન્જમાં ૬ JFMC – ૫૪૨૩.૩૪ હેકટર, ઉનાઈ રેન્જમાં ૨૧ JFMC – ૭૩૬૧.૪૦ હેકટર, વાજપુર રેન્જમાં ૧૨ JFMC – ૩૫૦૬.૯૨ હેકટર, અને વ્યારા રેન્જમાં ૩૦ JFMC – ૩૧૮૮.૨૩ હેકટર મળી કુલ દસ રેન્જમાં ૧૯૩ જોઈન્ટ ફિરેસ્ટ મેનેજમેન્ટ કમિટિ દ્વારા ૪૨૨૭૧.૭૨ હેકટર વિસ્તારમાં વિવિધ વનિલ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામે જિલ્લામાં સતત વન વિસ્તારમાં વધારો નોંધાવા પામ્યો છે.

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર સને ૨૦૦૧/૦૨માં રાજ્યનો ફોરેસ્ટ કવર વિસ્તાર ૧૯૦૧૩.૯૧ ચો. કી.મિ. હતો. જ્યારે સને ૨૦૨૦/૨૧માં આ વિસ્તારવ વધીને ૨૧૮૭૬.૪૫ ચો. કિ.મી. નોંધાયો છે. જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારની સામે ૧૧.૧૫ ટકા જેટલો છે. જેમાં માત્ર તાપી જિલ્લાનો ફાળો જ ૪.૧૫ ટકા રહેવા પામ્યો છે. જે પ્રત્યેક તાપીવાસીઓ માટે ગૌરવની બાબત છે. તેમ પણ શ્રી નૈયરે વધુમાં ઉમેર્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *