વ્યારા સ્થિત ધન્વંતરી ક્લિનિક અને આયુર્વેદ હેલ્થ કેર એન્ડ રિસર્ચ સેન્ટરની મુલાકાત લેતા મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.02: તાપી જિલ્લાના વ્યારા ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ દ્વારા ધન્વંતરી ક્લિનિક અને આયુર્વેદ હેલ્થ કેર એન્ડ રિસર્ચ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી.
આ સાથે રાજ્યપાલશ્રીએ ધન્વંતરી ક્લિનિકના સિલકલ સેલના દર્દીઓ સાથે વાતચીત કરી તેઓના સારવાર દરમિયાનના અનુભવો અંગે ચર્ચા કરી હતી. દરમિયાન રાજ્યપાલશ્રીએ ધન્વંતરી ક્લિનિકના ડો.અતુલ દેસાઈ અને તેઓના રિસર્ચ સેન્ટર થકી સિકલસેલના દર્દીઓને મળેલા નવજીવન માટે સમગ્ર ટીમની કર્મનિષ્ઠાની સરાહના કરી હતી.
આ પ્રસંગે ધન્વંતરી ક્લિનિક ખાતે આઇ.સી.યુ.માં સારવાર લઇ રહેલા દર્દીની મુલાકાત વેળાએ સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવાએ ધન્વંતરી ટ્રસ્ટને રૂપિયા ૧૦ લાખનું ડોનેશન આપવાની જાહેરાત કરી હતી.
નોંધનિય છે કે, ડો. અતુલ દેસાઈ કે જેઓ ધન્વંતરી ક્લિનિક અને આયુર્વેદ હેલ્થ કેર એન્ડ રિસર્ચ સેન્ટર તાપી જિલ્લાના વ્યારા ખાતે ચલાવે છે. જેઓ છેલ્લા 30 વર્ષથી ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયા પર સમસ્યા, સારવાર અને સંશોધન કરી રહ્યા છે. તેઓ વિશ્વની એકમાત્ર સીધા સિકલ રક્તકણ ઉપર અસર કરતી આયુર્વેદિક દવાના શોધક છે. તેમજ સિકલસેલ ઉપર તેઓના ઘણા શોધપત્ર દેશ વિદેશમાં પ્રસ્તુત થયા છે. આ પ્રક્રિયામાં તેઓના ડોક્ટર કવિતા દેસાઈના પ્રમુખ પદ હેઠળ ચાલતા ધનવંતરી ટ્રસ્ટનો ઘણો મહત્વનો ફાળો રહ્યો છે.
ધનવંતરી ટ્રસ્ટનો હેતુ સિકલસેલ એનિમિયા તેમજ આદિવાસી વિસ્તારમાં ભણતર, પર્યાવરણ, રમતગમત પર ભાર વધુ રહ્યો છે. ૨૦૦૯ થી દર વર્ષે 19 જૂન ના રોજ તેઓ સિકલસેલ એનિમિયા જાગૃતિ દિવસ ઉજવે છે, અને ગુજરાત રાજ્યના ફેમિલી હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મળીને રાજ્યભરમાં ફક્ત સિકલસેલના દર્દીઓ માટે ચિત્રકામ અને નિબંધ સ્પર્ધાનું આયોજન ઊંચા ઇનામો સાથે કરે છે.
હાલમાં સીજી દેસાઈ માર્કેટના બીજા માટે સિકલ સેલના દર્દીઓની ઈમરજન્સી સારવાર માટે ડે કેર સેન્ટર વિથ આઈસીયુ ફેસીલીટી બનાવી છે, અને જેનાથી ઘણા દર્દીઓને એક સફળ નવજીવન મળ્યું છે.
આ મુલાકાત વેળાએ સિકલસેલ પ્રોજેક્ટ ડિરેક્ટરશ્રી ડો.રૂબિકાંત, મધ્યપ્રદેશના હેલ્થ કમીશનરશ્રી પ્રિયંકા દાસ, ડેપ્યુટી ડિરેક્ટરશ્રી હરી શર્મા, આયુર્વેદ કોલેજના ડો.વિવેક શર્મા, ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણી સહિત વિવિધ પદાધિકારીઓ અને સિલક સેલ એનિમિયાના વિવિધ તકલીફોના ૬૮ જેટલા દર્દીઓએ કુટુંબીજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
00000000000