પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જુના બેજગામના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઇ

Contact News Publisher

અંતરીયાળ ગામની સમયાંતરે મુલાકાત કરવા અનુરોધ કરતા રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ
…………
લોકોની તકલીફોને હલ કરવી એ પદાધિકારી તરીકે આપણી જવાબદારી છે.-પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ
………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.02- રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને, તથા પ્રભારી સચિવ શ્રી પી.સ્વરૂપ સહિત પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતીમાં કુકરમુંડા તાલુકાના જુના બેજગામના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જુના બેજગામના જે કુંટુબો પાસે ઉજ્જ્વલા ગેસ કનેકશન નથી, તેઓને ખાસ કિસ્સા તરીકે આ યોજનાનો લાભ મળે તે મુજબનું આયોજન કરવા જણાવ્યું હતું. ઉપરાંત આરોગ્ય વિભાગને આયુષમાન ભારત કાર્ડની ૧૦૦ ટકા કામગીરી કરવા, ગામમાં પેવર બ્લોકની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવા સુચનો આપ્યા હતા. આ સાથે દ.ગુ.વિજ કંપની અને માર્ગ અને મકાન વિભાગને સંયુક્ત સ્થળ મુલાકાત કરી, બ્રીજ બનાવવાના કામની સાથે વિજળી કનેકશન મળે તે મુજબ આયોજન કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગે મત્સય વિભાગને વિશેષ સુચન કરતા આ ગામના લોકો મત્સય પાલન સાથે સંકળાયેલા છે. જો મંડળી તરીકે તેમની નોંધણી થાય તો વધારે સારી આવક મેળવી શકે તે માટે જુના બેજગામના મત્સય પાલન કરતા તમામ લોકોની એક મંડળી તરીકે નોંધણી કરાવવા જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ગામના લોકોને ૧૦૦ દિવસની રોજગારી મળે તેવું આયોજન કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહે મનરેગા યોજના અને ૧૫માં નાણાપંચ હેઠળ રસ્તાના કામો આયોજનમાં લીધા છે, એમ જણાવી ગ્રામજનોને રોજગારી મળી રહે તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવેલ છે, જેની ખાત્રી આપી હતી.

મંત્રીશ્રીએ બેઠકમાં પદાધિકારીઓને ખાસ સુચના આપતા જિલ્લાના અંતરીયાળ ગામોની સમયાંતરે મુલાકાત કરી, લોકોની તકલીફોને હલ કરવી એ પદાધિકારી તરીકે આપણી જવાબદારી છે એમ જણાવ્યું હતું. જનજનને સરકારી સુવિધા મળે તે જોવાની આપણી ફરજ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ બેઠકમાં પુરવઠા, માર્ગ અને મકાન, વિજળી, આરોગ્ય, આઇ.સી.ડી.એસ, ખેતીવાડી, પશુપાલન, મત્સ્ય વિભાગ વગેરેને ગત મહિને તા.૧૭-૦૫-૨૩ના રોજ જુનાબેજ ગામની સ્થળ મુલાકાત દરમિયાન આપેલ સુચનાઓ અંગે કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણી, પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, ડી.એફ.ઓ. શ્રી પુનીત નૈયર સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other