નિઝર : વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટ્રાચાર આચરનારાઓ ઉપર કાર્યવાહી કયારે ?!
(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : ગુજરાત રક્ષા અખબારમાં ગત્ દિવસોમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ “નિઝર : વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફરી એકવાર ભ્રષ્ટ્રાચારની રાવ !” સત્ય પુરવાર ઠર્યો છે.
તંત્ર દ્વારા અહેવાલના આધારે તપાસ હાથ ધરી હતી, આખરે નિઝર તાલુકાના વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પતિ-પત્ની બંનેના નામ પર આવાસ આપવામાં આવેલ છે જે ગેરકાયદેસર છે અને એમની પાસેથી સરકારી સહાયની રકમ પરત મેળવાશે એમ તપાસ અધિકારી દ્વારા જણાવાયુ છે. ગ્રામપંચાયતના અધિકારીઓ અને તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા ગેરરીતિ કરવામાં આવેલ હોય તેમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે. પરંતુ આજદિન સુધી તાલુકા વિકાસ અધિકારીએ વેલ્દા ગ્રામ પંચાયતના અધિકારીઓને અને નિઝર તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસ શાખાના અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી. તાલુકા વિકાસ અધિકારી પણ શંકાના ડાયરામાં આવી ગયા છે ? પતિ-પત્નીને આવાસ આપવામાં આવેલ છે એ ગેરરીતિ દેખાય છે અને અધિકારીઓ દ્વારા રિકવરી કરવામાં આવશે એમ કહેવામાં આવે છે. પરંતુ જે તે અધિકારી/કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. તે તાલુકા વિકાસ અધિકારીને કેમ દેખાતું નથી ? ભ્રષ્ટ અધિકારીઓને કેમ બચાવવામાં આવે છે ? આ પ્રશ્ન તંત્ર પર ઉઠી રહ્યો છે.
હાલમાં જોવાનું એ રહયું કે, ગ્રામપંચાયતના અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના અધિકારીઓ પર શું પગલાં લેવામાં આવશે ? એ આવનાર સમયમાં ખબર પડશે.