તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ
માહિતી બ્યુરો વ્યારા-તાપી તા.૨૭: તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને તથા જિ.પં.પ્રમુખશ્રી સુરજ વસાવા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સરકારશ્રીની “વન નેશન વન રેશન” યોજના અંગે લોકોમાં જાગૃતતા લાવવા અને કોઇ પણ નાગરિક કોઇ ગેરસમજના કારણે અનાજ લેવાથી બાકાત ન રહે તેની તકેદારી રાખી યોગ્ય આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે તમામ સસ્તા અનાજની દુકાનોમાં ડિસ્ટ્રીબ્યુશન યોગ્ય રીતે થાય છે કે નહી તેની ચકાસણી કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહએ ગ્રામમુલાકાત દરમિયાન તેઓના સમક્ષ રજુ થયેલા અનાજને લગતા ગ્રામજનોના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. ડી.ડી.ઓ.શ્રીએ ગ્રામ્ય સ્તરે આઇ.ઇ.સી એક્ટીવીટી વધારવા સંબંધિત વિભાગને માર્ગદર્શન આપ્યું હતું.
ડેપ્યુટી કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તૃપ્તિ પટેલે સમગ્ર બેઠકનું સંચાલન કરી રેશનિંગની દુકાનના સ્થળમાં ફેરફાર કરવા અંગે, FPS દ્વારા ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે, સાયલંટ રેશનકાર્ડ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
00000000000