રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશપટેલના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના જુનાબેજ ખાતે ગામના પ્રશ્નો અંગે બેઠક યોજાઇ
જુનાબેજના વિકાસ માટે મંત્રીશ્રી પોતાની ગ્રાંટમાંથી ૧.૫૦ કરોડ અને જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા વહિવટી તંત્રમાંથી ૫૦ લાખ ફાળવશે
…………
તમામ સમસ્યાઓનું નિરાકણ થશે અમે આશ્વાસન આપતા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
…………
માહિતી બ્યુરો તાપી તા.18: વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યમંત્રીશ્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે તાપી જિલ્લાના કુકરમુંડાના જુના બેજ ગામની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે વાર્તાલાપ કરતા નાગરિકના પ્રશ્નો સાંભળ્યા હતા. મંત્રીશ્રીએ રોડ, રસ્તા, વિજળી, પાણી, આંગણવાડી, ખેતી,પશુપાલન, જમીન જેવી વિવિધ સમસ્યાઓને ધ્યાન પુર્વક સાંભળી હતી. સંવેદનશીલતાથી તેઓના પ્રશ્નોના નિરાકરણ લાવવા તમામ ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું. ગામની સમસ્યાઓ અંગે લાગણી વ્યક્ત કરતા મંત્રીશ્રીએ પોતાની ગ્રાંટમાંથી ૧.૫૦ કરોડ અને જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગે જિલ્લા વહિવટી તંત્રમાંથી ૫૦ લાખ ફાળવવા જણાવ્યું હતું.
વધુમાં તેમણે વિસ્થાપિતોની જમીન અંગે ગ્રામજનોને જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કોઇની જમીન કોઇ અન્ય પચાવી ન શકે. તેમને સંબંધિત વિભાગને વિસ્થપિતોને ફાળવવામાં આવેલ જમીન અંગે સંપુર્ણ તપાસ હાથ ધરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સ જુના બેજ ગામ સુધી આવ-જાવ કરી શકે તે મુજબનો સ્ટીલ રસ્તો બનાવવા સર્વે હાથ ધરવા સુચન કર્યું હતું. આ સાથે ગામ ખાતે મીની આંગણવાડી ઉભી કરવા, અહિના સ્થાનિકો માટે જેના પાસે રેશનકાર્ડ, આયુષમાન ભારત કે ઉજ્જ્વલા કાર્ડ નથી તેઓ માટે ખાસ કેમ્પનું આયોજન કરી કાર્ડ તાત્કાલિક ધોરણે બનાવી આપવા તથા બધાને ઘર મળે તેવું આયોજન કરવા સંબંધિત વિભાગને જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ગામની મુલાકાત લઇ ઝીણવટપુર્વક નિરિક્ષણ કર્યું હતું. તેમણે તમામ ઘરોમાં ટોઇલેટની વ્યવસ્થા છે તેની ચકાસણી કરતા ગ્રામજનોને અને જિલ્લા તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વચ્છતા અભિયાન અહીં સાર્થક થયું છે એમ ખુશી વ્યક્ત કરી હતી.
અંતે તેમણે ગ્રામજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકણ થશે. તમારા દિકરા-દિકરીઓનું ઉજ્જ્વળ ભવિષ્ય બને તે માટે અમે અહીં આવ્યા છે. ગામમાં જે પણ જરૂરીયાત કે સગવડનો અભાવ છે તે ઉભી કરવાનો અમે જિલ્લા તંત્ર સાથે પ્રયાસ હાથ ધર્યો છે જેના માટે સમય લાગશે પરંતું કામ થશે એમ અંતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગે જિલ્લા વહિવટી તંત્ર વતી ગામની સમસ્યાઓ અંગે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તથા મનરેગા યોજના હેઠળ રસ્તા, આંગણવાડી જેવા વિભાગો અંતર્ગત ગામજનોને રોજગારી મળી રહે તે માટે સુચનો આપ્યા હતા. વધુમાં તેમણે પશુપાલન અને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંગે સ્થાનિકો લાભ લે તે માટે માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.
નોંધનિય છે કે, તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકાના બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જુનાબેજ ગામનો સમાવેશ થાય છે. તાપી કિનારે આવેલ જુનાબેજ ગામ ચારે તરફ દર વર્ષે ઉકાઈ જળાશયનું પાણી ભરાય જવાથી ૦૮ મહિના સુધી ટાપુ બની જાય છે. જેના કારણે આ ગામના સ્થાનિકોએ વિસ્થાપિત થવાની ફરજ પડે છે અને જે નાગરિકો ગામમા રહે છે તેઓ હોડીના સહારે અવર-જવર કરતા હોય છે. છેવાડાનો માનવી વિકાસની ધારામાંથી બાકાત ન રહે તેવી સંવેદનશીલતા રાખી ગામના પ્રશ્નોના સુખદ નિરાકરણ લાવવા રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે આ ગામની સ્વયં મુલાકાત લીધી હતી.
આ મુલાકાત વેળા કુકરમુંડા તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ, ગામના આગેવાનો, સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦