ગાંધીનગર ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં ૨૯ માં રાષ્ટ્રીય અધિવેશનનો સમાપન સમારોહ યોજાયો
ગુજરાત સહિત દેશભરમાંથી બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો અધિવેશનમાં સહભાગી થયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં યજમાનપદે યોજવામાં આવેલ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં ૨૯ માં દ્વિવાર્ષિક શૈક્ષણિક અધિવેશનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. ‘શિક્ષણ પરિવર્તનનાં કેન્દ્રમાં શિક્ષકો’ તેમજ ‘સંગઠનની પ્રવૃત્તિઓ દ્વારા મહિલા શિક્ષકોનું સશક્તિકરણ’ વિષય પર યોજાયેલ આ રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનનો સમાપન સમારોહ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે ડો. કુબેર ડીંડોર, પ્રફુલ પાનસેરિયા, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ રામપાલ સિંઘ, એજ્યુકેશન ઇન્ટરનેશનલ જનરલ સેક્રેટરી ડેવિડ એડવર્ડ તથા એજ્યુકેશન ઇન્ટરનેશનલ એશિયા પેસિફિક ચીફ કો-ઓર્ડિનેટર આનંદ સિંઘ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી કમલાકાંત ત્રિપાઠી તથા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી ગીતા પાંડે અને રામચંદ્ર ડબાસ સહિત દેશનાં વિવિધ રાજ્યોમાંથી પધારેલ શિક્ષક સંઘનાં હોદ્દેદારો, પ્રતિનિધિઓ તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુએ પ્રેરક ઉદબોધન કરી સૌને આશીર્વચન પાઠવ્યા હતાં. આ સાથે જ ઉપસ્થિત મહાનુભાવોએ પોતાનાં વક્તવ્યમાં શૈક્ષણિક ક્રાંતિ દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવવા શિક્ષકોને આહવાન કર્યું હતું. આ સંદર્ભે વધુ માહિતી આપતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે આગ ઓકતી ગરમી વચ્ચે અધિવેશનમાં ગુજરાત સહિત દેશભરમાંથી બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનોની ઉપસ્થિતિએ સૌનો સંગઠન પ્રત્યેનો અતૂટ વિશ્વાસની સાથે પોતાની શૈક્ષણિક સંવેદનશીલતા ઉજાગર કરી હતી.
અધિવેશનની અપેક્ષિત સફળતા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતિષભાઈ પટેલ, રાજ્ય સંઘનાં હોદ્દેદારો, વિવિધ જિલ્લા સંઘનાં પ્રમુખ મહામંત્રીઓ સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે દિવસ રાત ખડેપગે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરતનાં કામરેજ તાલુકાની કોસમાડી પ્રાથમિક શાળાનાં શિક્ષક યાસીન મુલતાનીએ ઉદઘોષક તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.