તાપી જિલ્લામાં “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ અંતર્ગત દેગામા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
“અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લામાં ૬૬ ગામોમાં 147 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું
……………
માહિતી બ્યુરો,તાપી.તા.૧૨: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસો અને અન્ય વિભાગો દ્વારા બનાવવામાં આવેલ આવાસોના ઇ-લોકાર્પણ,ખાતમુહુર્તનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો.. જે અંતર્ગત વિવિધ જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રીએ ટુ વે કનેક્ટીવીટીથી જોડાઇ લાભાર્થી સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજનાના લાભાર્થી દંપતિ અંજુબેન આહીર અને જયેશભાઇ આહીરના આવાસ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
દેગામા ગામના કોંકણવાડ ફળીયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી જિ.પં.પ્રમુખશ્રી સુરજ વસાવાએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોની સંવેદના સમજી આવાસ યોજના શરૂ કરી હતી. જેમાં મહિલાઓને ધ્યાને રાખી બાથરૂમ અને શૌચાલયની સુવિધાનો પણ સમાવેશ થાય છે. તેમણે આવાસ યોજના સહિત વિવિધ યોજના અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે એમ જણાવી સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતા વિવિધ લાભો જેમાં રાજય સરકાર દ્વારા મહિલા લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને આવાસની સાથે સાથે બાથરૂમના બાંધકામ માટે પ્રતિ લાભાર્થી દીઠ રૂ.5000ની વધારાની સહાય આપવામાં આવે છે. તથા પ્રથમ હપ્તાની ચુકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ રૂ.20,000ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. એમ જણાવી સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.
મોહનભાઇ ઢોડિયાએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આપણે સૌ નશીબદાર છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના શુભ પગલા ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પડ્યા. જેના થકી વિકાસના દ્વાર ખુલ્યા છે. મહુવા વિધાનસભા વિસ્તારમાં 5700 આવાસો મંજુર થયા છે આ વિસ્તારમાં આપણે સૌએ સાથે મળી વિકાસના કામો કરવાના છે. ગુજરાત રાજ્યમાં આજે આવાસના ખાતમુહુર્ત અને લોકાર્પણ દ્વારા લક્ષ્મીનો વરસાદ થવાનો છે.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે સ્વાગત પ્રવચન કરતા જ્ણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 13681 આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમાંથી આજરોજ “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લાના ૬૬ ગામોમાં 147 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડી.ડી.ઓશ્રીએ તાપી જિલ્લાના લાભાર્થીઓ વતી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપણા ઘરોનું આટલુ જાજરમાન પ્રવેશોત્સવ કે ગૃહ પ્રવેશ યોજાશે એવુ સ્વપ્ને વિચાર્યું ન હશે. ત્યારે આપણે સૌએ વૈશ્વિક સ્તરે આપણા દેશનું નામ રોશન કર્યું છે એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિવાદન પાઠવવું જોઇએ.
કાર્યક્રમમાં અંજુબેન આહીર અને તેઓના પરિવારને મહાનુભાવોની હાજરીમાં ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યા હતો. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) પર એક ટુંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. દેગામાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતશ્રી જયેશભાઇ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપવામાં આવી હતી તથા આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ વર્ધક વાનગી પ્રદર્શન અને આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે નાગરિકો દ્વારા પર્યાવરણની જાણવણી માટે પ્રતિજ્ઞા લઇ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામજનો અને ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓ સહભાગી થયા હતા. કાર્યક્રમને સુપેરે પાર પાડવા જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધિકારીઓ/કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
00000000000