એલ એન્ડ ટી હજીરા તથા ભારત કેર દ્વારા ઓલપાડની ધનશેર પ્રાથમિક શાળામાં સમર કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ધનશેર પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષા 2022 – 23 ની પૂર્ણાહૂતિ થતાં શાળાનાં બાળકો પરીક્ષાનાં માહોલમાંથી બહાર નીકળી હળવાશ અનુભવે એવાં શુભ હેતુસર શાળામાં લાર્સન એન્ડ ટર્બો કંપની, હજીરા તથા ભારત કેરનાં સહયોગથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમર કેમ્પ અંતર્ગત શાળાનાં ધોરણ 1 થી 8 નાં બાળકોએ વિવિધ ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ રમવાની મજા માણી હતી. બાળકો ડાન્સ, હાર્મોનિયમ, તબલા વાદન, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં મશગુલ થયાં હતાં. આ સાથે સૌએ મોટીવેશન વિડીયોઝ, લાઈફ સ્કીલ વિડિયોઝ તથા ચાઈલ્ડ મુવી પણ ખૂબ જ ઉત્સાહભેર નિહાળી હતી.
સદર સમર કેમ્પમાં બાળકોએ ઓતપ્રોત થઈને ભરપૂર આનંદ લૂંટ્યો હતો. અંતમાં શાળાનાં આચાર્ય રસિક રાઠોડ, શાળા પરિવાર તથા શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યોએ લાર્સન એન્ડ ટુબ્રો કંપની, હજીરા તથા ભારત કેરનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.