ઘી ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી.ની મિટીંગ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઘી ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી. ઓલપાડની એક મિટીંગ મંડળીનાં ચેરમેન કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને બી.આર.સી.ભવન,ઓલપાડ ખાતે મળી હતી. આ પ્રસંગે મંડળીનાં ઉપપ્રમુખ બળદેવભાઈ પટેલ સહિત તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભે મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે સભાસદોને આવકાર્યા હતાં. સભામાં મંડળીનાં જોઇન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે એજન્ડાનાં વાંચન સહિત ચાલુ નાણાંકીય વર્ષનાં લેખાજોખા રજૂ કર્યા હતાં જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં.
મંડળીનાં ચેરમેન કિરીટભાઈ પટેલે પોતાનાં ઉદબોધનમાં મંડળીનાં વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે મંડળીનાં ભવિષ્યનાં આયોજનની વાતો કરી પારદર્શક વહીવટની ખાત્રી આપી હતી. તેમણે પ્રમુખસ્થાનેથી આગામી દિવસોમાં મંડળીનાં શતાબ્દી મહોત્સવની ઉજવણીની વાત રજૂ કરી મંડળીની સાધારણ સભા આગામી 10 જૂનનાં રોજ યોજવાની જાહેરાત કરી હતી. દરેક શિક્ષક સભાસદ ભાઈ-બહેનો માટે આશીર્વાદરૂપ આ મંડળીમાં ચાલુ વર્ષે નફાની વહેંચણી બચત થાપણ ઉપર 6 ટકા પ્રમાણે જયારે શેર ડિવિડન્ડની ફાળવણી 9 ટકા પ્રમાણે જાહેર કરવામાં આવી હતી. અંતમાં મંડળીનાં બીજા જોઇન્ટ સેક્રેટરી શશીકાંત પટેલે આભારવિધિ આટોપી હતી.