બાળકોની પરિપક્વતા નિખારવા કોબા પ્રાથમિક શાળાનો નવતર અભિગમ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં બાળકોની શૈક્ષણિક ઉપરાંત શિક્ષણેત્તર શક્તિઓને સહજતાથી બહાર આણવાનાં શુભ હેતુસર શાળાનાં બાહોશ આચાર્ય ડો. ધર્મેશ પટેલ દ્વારા ચાલુ વર્ષથી નવતર અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળાનાં બાળકોની હાજરી, સ્વચ્છતા, વર્ગકાર્ય, ગૃહકાર્ય ઉપરાંત તેમની સહઅભ્યાસિક બાબતોને ધ્યાનમાં લઈને બેસ્ટ સ્ટુડન્ટ, માય સ્ટુડન્ટ માય હીરો, સ્ટુડન્ટ ઓફ ધ યર જેવાં પ્રોત્સાહક એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ વિશેષ કાર્યક્રમમાં ગામનાં સરપંચ દિલીપ પટેલ તથા તાલુકા પંચાયતનાં માજી સદસ્ય અલ્પેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ગામનાં સરપંચ દિલીપ પટેલે જણાવ્યું કે શાળાનાં આચાર્ય ધર્મેશભાઈએ વર્ષ દરમ્યાન અનેકવિધ પ્રવૃત્તિઓ થકી અમારા ગામનું નામ રોશન કરેલ છે જે અમારા સૌ માટે ગૌરવની બાબત છે. આ તકે તેમણે ધર્મેશભાઈની તાલુકાથી લઇ રાજ્ય કક્ષાની વિવિધ સિધ્ધિઓને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.