મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ, તાપી જિલ્લો : આગામી તા.23/04/2023 આખરી સ્પેશીયલ કેમ્પેન દિવસ
મતદાર નોંધણી સંબંધિત તમામ કામગીરી પૂર્ણ કરાવવા જિલ્લા ચૂંટણી તંત્ર, તાપી દ્વારા જાહેર અપીલ
………..
માહિતી બ્યુરો તાપી, તા.21: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજયમાં તા.05/04/2023ના રોજથી મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે જેનો આખરી દિવસ તા.23/04/2023, આવતો રવિવાર છે.
જે અંતર્ગત તા.01/04/2023ના રોજ કે તે પહેલાં 18 વર્ષ પૂર્ણ થયેલ મતદારયાદીમાં નોંધાવાને પાત્ર પણ વણનોંધાયેલ વ્યક્તિ તેમનું નામ ફોર્મ 6 ભરી નોંધાવી શકે છે. તેવી જ રીતે કોઈ મતદાર તરીકે નોંધાયેલ વ્યક્તિનું નામ મૃત્યું કે અન્ય કારણોસર રદ કરવાને પાત્ર થતું હોય તો ફોર્મ 7 ભરીને અથવા અન્ય મતવિસ્તારમાંથી સ્થળાંતરના કારણે કે આ જ મતવિસ્તારના એક સ્થળેથી અન્ય સ્થળે તબદીલીથી નોંધવાને પાત્ર થતું હોય કે નામ-સરનામાં વિગેરેમાં સુધારો કરવાનો કે નવું એપિક મેળવવાનું થતું હોય તો ફોર્મ 8 ભરી શકે છે.
મતદારયાદીના આ નોંધણી/કમી/સુધારા-વધારા અંગેના ફોર્મ્સ સ્થાનિક બૂથ લેવલ ઓફીસર પાસેથી, મામલતદાર કચેરી તથા કલેકટર કચેરી ખાતેથી મેળવી તથા રજૂ કરી શકે છે અથવા તો NVSP.IN કે “વોટર હેલ્પલાઈન” એપ દ્વારા ઓનલાઈન ભરી શકે છે તથા તેમની અરજીનું સ્ટેટ્સ જાણી શકે છે.
આગામી તા.23/04/2023ને આ રવિવારના રોજ મતદાન મથકના સ્થળે જ તે મતદાન મથકના બૂથ લેવલ ઓફીસર સવારના 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી સતત ઉપલબ્ધ રહેશે જેમની પાસેથી જરૂરી ફોર્મ્સ મેળવી શકાશે તથા ભરેલા ફોર્મ્સ રજૂ કરી શકાશે કે આ કામગીરી તેમની પાસે ઓનલાઈન કરાવી શકાશે.
આ રવિવાર હવે છેલ્લો સ્પેશીયલ કેમ્પેન ડે હોઈ તાપી જિલ્લાના તમામ નાગરિકોને ખાસ વિનંતી છે તેમના કુટુંબ/પરિચિતો પૈકી મતદાર તરીકે નોંધાવાને પાત્ર વ્યક્તિની અચૂકપણે નોંધણી કરાવે તથા મતદાર તરીકેની નોંધણી રદ કરવાને પાત્ર વ્યક્તિની નોંધણી અચૂકપણે રદ કરાવવાની કાર્યવાહી સંબંધિત તમામ કામગીરી પૂર્ણ કરાવવા જિલ્લા ચૂંટણી તંત્ર, તાપી દ્વારા જાહેર અપીલ કરી છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦