તાપી જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની પહેલ
બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત “બાળ લગ્નએ કાનૂની અપરાધ છે
માહિતી બ્યુરો તાપી તા.૧૮ તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજી પણ સામાજિક પ્રથાઓ ઘર કરી બેઠી છે. ઘણા જાતિ સમુદાયોમાં સગીર વયના છોકરા-છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં કરાવવામાં આવે છે. જેની માઠી અસર સમાજ અને પરિવાર ઉપર થતી હોય છે. બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત “બાળ લગ્નએ કાનૂની અપરાધ છે. જે બાબતે તાપી જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જાહેર જનતાને પહેલ કરવામાં આવી છે.
જિલ્લાના પારંપારીક તહેવાર અખાત્રીજ અને અન્ય દિવસોમાં ખુબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજોમાં લગ્નો યોજાતા હોય છે, જેમાં છોકરી અને છોકરાની નિર્ધારીત કરેલી ઉંમર કરતાં વહેલા લગ્ન ન કરાવવામાં આવે તે માટે સમુહ લગ્નોના આયોજકો સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, પાદરી, રસોયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથી લગ્ન કરાવાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારજનોને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બાળ લગ્નો અટકાવવા અંગે જણાવાયુ છે.
બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને એ સામાજિક દુષણ પણ છે. બાળ લગ્નના કારણે દીકરા-દીકરીઓના શારિરીક,માનસિક અને આરોગ્ય વિષયક ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી સમાજમાં બાળ લગ્ન ન થાય તે જરૂરી છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર જો આપના વિસ્તારમાં, ગામમાં કે મહોલ્લામાં આવા બાળ લગ્ન ન થાય તેની તકેદારી રાખવી અન્યથા બાળ લગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળ લગ્નો અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથવા શ્રી.એન.ડી.ચૌધરી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક નં.૦૨૬૨૬-૨૨૨૨૧૦, શ્રી વી.બી.રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક નં. ૦૨૬૨૬-૨૨૨૨૦૩, બાળ કલ્યાણ સમિતિ-તાપી ઉપરાંત ચાઇલ્ડ લાઇન સંપર્ક નં.૧૦૯૮, પોલીસ સંપર્ક નં.૧૦૦, અભયમ મહિલા હેલ્પ લાઇન ૧૮૧ નો સંપર્ક કરવા અંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અખબારી યાદીમાં જણાવાયુ છે.
000000