માનવ ગરિમા યોજના થકી આત્મનિર્ભર બનતી તાપી જિલ્લાની દિકરી

Contact News Publisher

નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના માધ્યમ થકી મેળવી દરજીકામની કીટ
…………
માનવ ગરિમા યોજના હેઠળ મળતી ૨૮ પ્રકારની સાધન સહાય યોજના અંતર્ગત વર્ષ -૨૦૧૭-૧૮ થી વર્ષ-૨૦૨૧-૨૨ દરમિયાન તાપી જિલ્લામાં કુલ-૧૬૯ લાભાર્થીઓએ વિવિધ સાધનો મેળવી પગભર બન્યા છે.
…………
“વર્ષ ૨૦૨૨-૨૩માં દરજી કામની કીટનો લાભ મળતા મને આર્થીક રીતે ઘણી મદદ મળી છે. હુ સરકારશ્રીની ઘણી આભારી છું:” તનુજાકુમારી રાજુભાઇ માહ્યાવંશી (યોજનાકિય લાભાર્થી)
…………
“આ યોજનાના લાભ વડે આપણે પોતાનો ખર્ચો ઉઠાવી શકીએ કોઇ ઉપર આર્થીક રીતે આધાર નથી રાખવો પડતો. સાથે સાથે ઘરે સીવણકામ કરવાથી ઘર અને દરજીનું બન્નેનું કામ કરી શકાય છે. સમયનો બાંધ રહેતો નથી.:” તનુજાકુમારી રાજુભાઇ માહ્યાવંશી (યોજનાકિય લાભાર્થી)
…………
સંકલન-વૈશાલી જે.પરમાર

માહિતી બ્યુરો, તાપી. તા.૧૨: નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી હેઠળ માનવ ગરિમા યોજના અંતર્ગત કુલ ૨૮ પ્રકારનાં વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દરજીકામ થકી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કસવાવ ગામની દિકરી તનુજા રાજુભાઇ માહ્યાવંશી દરજીકામ કરી આત્મનિર્ભરતાનું ઉદાહરણ બની છે.

યોજના વિશે માહિતી:

માનવ ગરીમા યોજના(Manav Garima Yojana) નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને જરૂરી સાધનો/ટુલ કીટસ પુરા પાડી સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે. જેમાં જુદા જુદા ધંધાઓ/વ્યવસાયો માટે નિયમોનુસાર સાધનો ટુલ કીટસ આપવામાં આવે છે. સદરહુ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઇન વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇનથી અરજી કરી શકે છે.

તાપી જિલ્લામાં વર્ષ-૨૦૧૭-૧૮ થી વર્ષ-૨૦૨૧-૨૨ દરમિયાન કુલ-૩૬ દરજીકામની સાધન સહાય ચુકવવામાં આવી છે. આ લાભાર્થીઓ પૈકી એક લાભાર્થી બહેન તનુજાકુમારી રાજુભાઇ માહ્યાવંશી આ અંગે જણાવે છે કે, મને ગરીબ કલ્યાણ મેળામાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, તાપી દ્વારા દરજીકામ માટે મળતી કીટની માહિતી મળી હતી. ત્યારબાદ મે ઇ-સમાજકલ્યાણ વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in ઉપર કીટ માટે અરજી કરી હતી. અરજી મંજુર થતા મને ૨૦૨૨-૨૩માં દરજી કામની કીટનો લાભ મળ્યો હતો. કીટ મળતા મને આર્થીક રીતે ઘણી મદદ મળી છે.

આ કીટમાં સિલાઇ મશિન અને ઓવર લોક મશીન મળ્યું છે જેનાથી મને ખુબ સારૂ થયું છે. આ મશીન બજારમાં નવુ લેવા જઇએ તો ૭ થી ૮ હાજરનું મળે છે જે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી,તાપી દ્વારા મને નિ:શુલ્ક મળ્યું છે. જેના માટે હું સરકારની ઘણી આભારી છું.

તનુજાકુમારી વધુમાં જણાવે છે કે, 12 પાસબાદ આઇટીઆઇમાંથી મે સિવણનો કોર્ષ કર્યો હતો. ત્યારબાદ ઘરે સિવણકામ શરૂ કર્યું હતું. પહેલા સેકન્ડ હેન્ડ મશીન લઇ કામ શરૂ કર્યું હતું. નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા બે મશીન મળતા મને રાહત મળી છે. તેમણે સરકારશ્રીનો આભારવ્યક્ત કરતા વધુમાં ઉમેર્યું હ્તું કે, અનુસૂચિત જાતિના કોઇ પણ ભાઇ-બહેન આ કીટ માટે અરજી કરી લાભ મેળવી શકે છે. આ યોજનાના લાભ વડે આપણે પોતાનો ખર્ચો ઉઠાવી શકીએ કોઇ ઉપર આર્થીક રીતે આધાર નથી રાખવો પડતો. માતાપિતા સામે પૈસા માટે હાથ નથી લંબાવો પડતો અને તેઓને આર્થીક રીતે મદદરૂપ થઇ શકીએ છીએ. તેમણે ખુશી વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, આનો બીજો લાભ એ છે કે ઘરે સીવણકામ કરવાથી ઘર અને દરજીકામ એમ બન્ને કામ કરી શકાય છે. સમયનો બાંધ રહેતો નથી.

તનુજાકુમારીએ પોતાના ગ્રાહકોનો આભાર વ્યક્ત કરતા કહ્યુ હતું કે, જયારે મે સિવણકામ શરૂ કર્યું ત્યારે મારા સગા સંબંધી, ગામના અને આસપાસના ગામની બહેનોએ મને કામ આપવાનું શરૂ કર્યું જેના કારણે મને આવક મળી અને આજે હું ઘર બેઠા કમાણી કરી પગભર બની શકી છું જેના માટે હું મારા ગ્રાહકોની પણ આભારી છું.
અત્રે નોંધનિય છે કે, તાપી જિલ્લામાં વર્ષ-૨૦૧૭-૧૮ થી વર્ષ-૨૦૨૧-૨૨ દરમિયાન કુલ-૩૬ દરજીકામની સાધન સહાય ચુકવવામાં આવી છે.જેના થકી વિવિધ વિસ્તારમાં અનુસૂચિત જાતિના ભાઇ-બહેનો સિવણકામ કરી આર્થીક રીતે રોજગારી મેળવી પગભર બન્યા છે. આ ઉપરાંત માનવ ગરિમા યોજના હેઠળ મળતી 28 પ્રકારની સાધન સહાય યોજના અંતર્ગત તાપી જિલ્લામાં વર્ષ -૨૦૧૭-૧૮ થી વર્ષ-૨૦૨૧-૨૨ દરમિયાન તાપી જિલ્લામાં કુલ-૧૬૯ વિવિધ સાધનો મેળવી યોજનાનો લાભ મેળવ્યો છે.

માનવ ગરિમા યોજના હેઠળ 28 પ્રકારનાં વ્યવસાય માટે મેળવી શકાય છે ટૂલ કીટસ
…….
માનવ ગરિમા યોજના હેઠળ કુલ 28 પ્રકારનાં વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે. જેમાં કડીયાકામ, સેન્‍ટીંગ કામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ, મોચીકામ, દરજીકામ, ભરતકામ, કુંભારીકામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ, ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ, સુથારીકામ, ધોબીકામ, સાવરણી સુપડા બનાવનાર, દુધ-દહી વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ,પંચર કીટ, ફ્લોર મીલ, મસાલા મીલ, રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો), મોબાઇલ રીપેરીંગ, પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ), હેર કટીંગ (વાળંદ કામ), રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી માટે) સાધન સહાય મેળવી શકાય છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other