ભારત સહિત વિશ્વમાં માનવતા અને સૌહાર્દનો સંદેશ આપનાર હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી (રદી.) સાહેબનો ઉર્સ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા. સુરત ) : તા. ૧૦ ઘરે ઘરે ગાય પાળો, ઘરે ઘરે વૃક્ષો વાવો, માનવસેવા, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ તેમજ આધ્યાત્મિક પ્રગતિ જેવાં ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી સાથે સંકળાયેલા પાલેજ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત સંત રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજા (રહ.) સાહેબનો વાર્ષિક ઉર્સ – મેળો દર વર્ષે ચૈત્ર સુદ પૂનમે બે દિવસ માટે ઉજવાય છે. દર વર્ષે દેશવિદેશથી અહીં લાખોની સંખ્યામાં વિવિધ કોમનાં લોકોની મેદની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
આ યોજાયેલ ઉર્સ- મેળાને રમઝાન માસ હોવાથી પાલેજ દરગાહ ખાતે મોટામિયા માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, ડો.મતાઉદ્દીન ચિશ્તી તેમજ કુટુંબીજનો દ્વારા બપોરબાદ દરગાહ પરિસરમાં સંદલ શરીફની વિધિ સાદગીથી કરવામાં આવી હતી. દેશમાં ભાઈચારો અને શાંતિ બની રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી. સાંજે રોજદાર મેહમાનો અંકિદતમંદો માટે ઇફતારીનું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. હિંદુ-મુસ્લિમ સૌએ ભેગા મળી એક્તાનું અનોખુ ઉદાહરણ પુરું પાડયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મોટામિયાં ચિશ્તી સાહેબે અસંખ્ય પુસ્તકો લખ્યા, જેમાં તેમણે વર્ષો પહેલા કોમી એકતાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, હિંદુ અને મુસ્લિમ એક શરીરની બે આંખ સમાન છે, જો એક આંખને નુકશાન થાય તો તેનું દુઃખ સમગ્ર શરીરને વેઠવું પડે છે. તેમણે ઘરે ઘરે ગાયો પાળો અભિયાન હેઠળ એક લાખ ગાયો પળાવી હતી જે બદલ તેમનું મુંબઈ માધવબાગ ખાતે સન્માન કરી સુવર્ણચંદ્રક આપવામાં એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે આ સુવર્ણચંદ્રક પરત કરી લોક સેવાનાં કામ માટે ઉપયોગમાં લેવા જણાવ્યું હતું.