તાપી જિલ્લા વિકાસ અધિકારી તરીકેશ્રી વી.એન. શાહ (IAS)એ ચાર્જ સંભાળ્યો
(માહિતી બ્યુરો વ્યારા) તા.૦૩- જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS ) એ આજરોજ તાપી જિલ્લાનો કાર્યભાર સંભાળી લીધો છે. તેઓ વર્ષ ૨૦૧૨ ની બેચના સનદી અધિકારી છે અને અગાઉ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી,ગાંધીનગર ખાતે ચીફ એક્ઝેક્યુટિવ તરીકે ફરજ બજાવતા હતા. તાપી જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તાપી જિલ્લાના વિકાસની ધુરા સંભાળતા શ્રી શાહે જણાવ્યું હતું કે તાપી જિલ્લો અનેક વિવિધતાઓથી ભરપૂર છે. ભૌગોલિક વિસ્તાર અનુસાર પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા સરકારશ્રીના અભિગમને સાર્થક બનાવવા જિલ્લા પંચાયત ના અધિકારીઓ અને પદાધિકારીઓના સુચારૂ સંકલનની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે તાપી જિલ્લો શિક્ષણમાં વિકાસ કરે અને સો ટકા શિક્ષિત બને તો સમાજના દરેક લોકોનો વિકાસ થાય તેમજ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચે તે માટે સૌએ એક બની ભગિરથ પ્રયાસ કરવાનો રહેશે.
જિલ્લા પંચાયતના તમામ અધિકારી/કર્મચારીઓ તેમજ પદાધિકારીઓએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહને પુષ્પગુચ્છ આપી આવકારી તાપી જિલ્લામાં સ્વાગત કર્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦૦૦