ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગનાં તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રીમતી સરલાબેન પટેલનાં હસ્તે આ આનંદમેળાને રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામનાં સરપંચ શ્રીમતી તેજલબેન પટેલ, સામાજીક અગ્રણી બળવંતભાઈ પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રીમતી કિર્તીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
શાળાનાં ખૂબજ ઉત્સાહી આચાર્યા શ્રીમતી પ્રિતિબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આનંદમેળા થકી બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન પણ કેળવાય છે જે તેમનાં શિક્ષણમાં ઉત્તરોત્તર ફળદાયી નીવડે છે.
આ આનંદમેળામાં ફ્રુટ સલાડ, ઇડલી સંભાર, મંચુરિયન, વડાપાઉં, સમોસા, બટાકાવડા, ભેલ, પાણીપુરી, આલુપુરી, ખીચું, સેન્ડવીચ, મન્ચાઉં સૂપ, પેટીસ, બ્રેડ પકોડા જેવી અવનવી વાનગીઓનાં વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતાં. જેનો શાળાનાં બાળકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસાસ્વાદ માણ્યો હતો.
ખૂબ જ ઉત્સાહ અને આનંદ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં શિક્ષકો મનોજ પટેલ, જીતેન્દ્ર પટેલ, કલ્પના પટેલ તથા કામિની પટેલે બાળકોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.