તાપી જિલ્લામાં “વિશ્વ જળ દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
“જળ એ જ જીવન છે, જળ વગર જીવન શકય જ નહિ“-જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી
………………
પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરીને જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરવા જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેનો અનુરોધ
…………..
સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ અધિકારીઓ તથા મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિનાં વિવિધ સભ્યોની ઉત્કૃષ્ટ કામગીરીને એવોર્ડ, પ્રશંસાપત્ર અને ચેક એનાયત કરી સન્માનિત કરાયાં
…………..
માહિતી બ્યુરો, તાપી તા.૨૨ તાપી જિલ્લાને ઇશ્વરે ખુલ્લા મને પ્રાકૃતિક સૌંદર્યની ભેટ આપી છે. બાહુલ્ય આદિવાસી વસ્તી ધરાવતો તાપી જિલ્લો ખેતી-પશુપાલન સાથે સંકળાયેલો છે. પાણીદાર તાપી જિલ્લાને કુદરત તરફથી તમામ ભેટ મળી છે. પરંતુ આ ભેટની કાળજી લેવી માનવી માટે મહત્વપૂર્ણ છે. તાપી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા આયોજિત “વિશ્વ જળ દિવસ” ની ઉજવણી વ્યારા સ્થિત ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે જિલ્લાના સમાહર્તા જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ કાર્યક્રમને સંબોધતા “જળ એ જ જીવન છે, જળ વગર જીવન શકય જ નહિ” એમ સમજાવતા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ તાપી નગરજનોને પાણીના યોગ્ય અને અસરકારક ઉપયોગ કરીને પાણીના ટીપે ટીપા બચાવીને આવનારી પેઢીને એક શ્રેષ્ઠ ભાવિ પ્રદાન કરવા અનુરોધ કર્યો હતો.
સુશ્રી દવેએ વધુમાં ઉપસ્થિત સૌને પાણીનો યોગ્ય ઉપયોગ કરીને તેને બચાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉર્જાવાન નેતૃત્વ હેઠળ રાજ્ય સહિત તાપી જિલ્લામાં પાણીના સુરક્ષિત ઉપયોગ અને તેના વ્યવસ્થાપનની સરાહનીય કામગીરી હાથ ધરાઈ છે.
પાણી તો જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના વિકાસની પારાશીશી અને આધાર છે. તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી રાજ્ય સરકાર દ્વારા તાપી જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી તથા સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ હેઠળ પંચાયત સિંચાઇ વિભાગ, તાપી-વ્યારાના કાર્યપાલક ઇજનેર શ્રી ડી.આર.પટેલના નેતૃત્વ તેમજ દેખરેખ હેઠળ પંચાયત સિંચાઇ પેટા વિભાગ વ્યારાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એસ.એ.ગાંવિત તથા તમામ સેક્શન ઓફીસરો શ્રી ડી.એ.ચૌધરી, શ્રી યુ.એન.બથવાર તથા કું. જે.ડી.ગામીતને કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના હસ્તે સરકારશ્રીની યોજનાઓનુ સુચારૂ અમલ અને ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પુરસ્કારના ચેક વિતરણ તથા સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં નિર્માણ થનાર ૭૫ અમૃત સરોવર પૈકી 20 અમૃત સરોવરની કામગીરી પરિપૂર્ણ થઈ ચૂકી છે.
“વિશ્વ જળ દિવસ” નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં વાસ્મોના જિલ્લા કોર્ડિનેટરશ્રી અરૂણ ગામીત, કાર્યપાલક ઇજનેરશ્રી ડી.એલ.ટંડેલ અને ડી.આર.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મયોગીઓ તથા મોટી સંખ્યા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
00000