વ્યારા : ૬૦ વર્ષથી વધુ વયના ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈને યુવા રમતવીરોને ચોંકાવ્યા
તાપી જિલ્લાના રમતવીરોના જુસ્સામાં વધારો કરતા વરિષ્ઠ મહિલા રમતવીરો
———
વ્યારાના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સિનિયર સિટીઝન બહેનો માટે જિલ્લાકક્ષાની રમતસ્પર્ધા યોજાઈ
———
તાપી જિલ્લાની તમામ બહેનો માત્ર ખેલકુદ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને કલા ક્ષેત્રે પણ કુશળ છે – જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે
———
વરિષ્ઠ રમતવીરો રાજ્યકક્ષાએ જીત હાંસલ કરીને તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવતા જિલ્લા સમાહર્તાશ્રી
———
રસ્સાખેંચ, એથ્લેટિક્સ, યોગાસનમાં ઉત્સાહભેર ભાગ લેતા ૮૦ વરિષ્ઠ મહિલા સ્પર્ધકોએ યુવા રમતવીરો માટે બની પ્રેરણારૂપ
———
માહિતી બ્યુરો, તાપી,તા.22: દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે “આઝાદી કા અમૃત મહોત્સવ” તથા જી-૨૦ ની થીમ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે વ્યારાના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની સિનિયર સિટીઝન બહેનો (વરિષ્ઠ રમતવીરો) માટે રમત સ્પર્ધા યોજાઈ હતી.
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધીઓને જીવનમાં વ્યસ્ત, સ્વસ્થ અને મસ્ત રહેવાનો કારગર મંત્ર આપીને જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાની તમામ બહેનો માત્ર ખેલકુદ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને કલા ક્ષેત્રે પણ કુશળ છે. સ્પર્ધકોને રાજ્યકક્ષાએ જીત હાંસલ કરીને તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ૬૦ વર્ષથી વધુ વય હોવા છતા બહેનોએ જેવી રીતે જુસ્સાથી સ્પર્ધામાં ભાગ લીધો છે, તે જિલ્લાના યુવા રમતવીરોને પણ જુસ્સાથી ભરી દેશે તેમ વધુમાં ઉમેર્યું હતું.
ભારતનો ખેલકુદનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે, જ્યાં તાપી જિલ્લાના યુવાનોને શિક્ષણ સાથે ખેલકુદ ક્ષેત્રે ખુબ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સિનિયર સિટીઝન બહેનો માટે યોજાયેલી એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, રસ્સા ખેંચ જેવી રમતોમાં ૬૦ વર્ષથી વધુ વયના વડીલોનો રમત પ્રત્યેનો જોશ જોઈને ખરેખર જિલ્લાના અન્ય રમતવીરોનાં જોશમાં વધારો થયો હશે.
વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા ખેલાડીઓ સહિત સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવતા ખેલાડી બહેનોને કલેક્ટરશ્રીના હસ્તે મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ હેઠળ તાપી જિલ્લામાં રમત-ગમતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જિલ્લાના રમતવીરોને ખેલકુદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે રમત સંકુલનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ૬૦ વર્ષથી વધુ વયની મહિલાઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને જિલ્લાના યુવા તારલાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
તાપી જિલ્લામાં શિક્ષણ સાથે સ્પોર્ટ્સને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ રમત-ગમત મંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ તાપી જિલ્લાના વ્યારા સ્થિત રમત સંકુલની મુલાકાત લઈને જિલ્લાના રમતવીરોને ખેલકુદ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતનભાઈ પટેલ, વ્યારા મામલતદારશ્રી હિમાંશુ સોલંકી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, યુવા રમતવીરો, કોલજ પરિવારે ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવીને વરિષ્ઠ રમતવીરોની ખેલદિલીને બિરદાવી હતી.
૦૦૦